મહાકુંભમાં 50 કરોડ શ્રદ્ધાળુઓની આસ્થાની ડુબકી, 300 સફાઈકર્મીઓ બનાવ્યો રેકોર્ડ

ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે મહાકુંભમાં 50 થી 55 કરોડ આવ્યા છે, જેનાથી યુપીના અર્થતંત્રને વેગ મળ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો કુંભ પર આંગળી ચીંધે છે, અમે આવા લોકોને કહેવા માંગીએ છીએ કે કુંભના આયોજનમાં 1500 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અને જો બદલામાં ૩ લાખ કરોડ રૂપિયાનો નફો થઈ રહ્યો હોય, તો તે સારું છે ને?

હાલમાં, સરકારી આંકડા અનુસાર, મહાકુંભ-2025માં પવિત્ર સ્નાન કરનારા ભક્તોની સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે. ભારત અને ચીન પછી આ વિશ્વની ત્રીજી સૌથી મોટી વસ્તી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી કોઈ પણ કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોવાના કોઈ પુરાવા નથી. બ્રાઝિલના રિયો કાર્નિવલ કે જર્મનીના ઓક્ટોબરફેસ્ટમાં ઉમટી પડતી ભીડ પણ મહાકુંભની સરખામણીમાં કંઈ નથી.

મહાકુંભ મેળો પૂર્ણ થવામાં હજુ ઘણો સમય છે, તેથી આ આંકડો વધુ વધી શકે છે. છેલ્લું અમૃત સ્નાન પણ બાકી છે, જે મહાશિવરાત્રીના દિવસે યોજાશે. આ બધા વચ્ચે આજે પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક નવો રેકોર્ડ નોંધાયો છે. મહાકુંભ દરમિયાન, 300 સફાઈ કર્મચારીઓએ ગંગા અને સંગમ પર બનેલા ત્રણ ઘાટ, રામ ઘાટ, ગંગેશ્વર ઘાટ અને ભારદ્વાજ ઘાટને અડધો કલાક સતત સાફ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો.

આ નવો રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ટીમના જ્યુરી સભ્ય પ્રવીણ પટેલની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો છે, જેમાં 300થી વધુ સફાઈ કર્મચારીઓએ અડધો કલાક સુધી સતત એક શહેર અને એક નદીની સફાઈ કરી હતી. આ પહેલા, પ્રયાગરાજ મહાકુંભમાં બનેલો આ અનોખો રેકોર્ડ દુનિયામાં કોઈએ બનાવ્યો નથી.