ફરીદાબાદમાંથી ડોક્ટરના ઘરથી 300 કિલો RDX જપ્ત

ફરીદાબાદઃ જમ્મુ-કાશ્મીર પોલીસે મોટું ઓપરેશન કર્યું છે. ફરીદાબાદમાંથી એક ડોક્ટરના ઘરમાંથી 300 કિલો RDX  જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત AK-47ની કેટલીક બંદૂકો પણ મળી આવી છે. કોઈ મોટા આતંકવાદી હુમલો કરવાનું કાવતરું રચાઈ રહ્યું હતું, એમ અહેવાલ કહે છે.

પોલીસે ડૉ. આદિલની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવતાં, અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ડોક્ટરની ધરપકડ બાદ પૂછપરછમાં ડૉ. આદિલે ઘણી મહત્વની માહિતી આપી છે. આ પહેલાં કાશ્મીરમાં ડો. આદિલના લૉકરમાંથી AK-47 રાઈફલ સહિતનાં હથિયારો મળ્યાં હતાં. હાલમાં પોલીસે તેને સતત પૂછપરછ હેઠળ રાખ્યો છે, જેથી  કાવતરાનો ભાંડા ફૂટી શકે.

આ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ નેટવર્કમાં ડો. મુઝમ્મિલ નામની વ્યક્તિ પણ સામેલ હતી. તે પણ કાશ્મીરનો જ રહેવાસી છે. પ્રાપ્ત માહિતી મુજબ ફરીદાબાદમાં હથિયારો અને ગોળા-બારુદનો જથ્થો મુઝમ્મિલે જ છુપાવ્યો હતો. હાલ બંને ડોક્ટર જમ્મુ-કશ્મીર પોલીસની કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલુ છે.

પોલીસનું કહેવું છે કે આ આતંકવાદી કાવતરામાં બીજા અનેક લોકો પણ સામેલ હોવાની આશંકા છે. હવે તપાસનો વ્યાપ વધુ વધારવામાં આવી રહ્યો છે, કેમ કે આ મામલામાં લગભગ 300 કિલો RDX મળ્યું છે, પોલીસે શંકા વ્યક્ત કરી છે કે કોઈ ખૂબ મોટા આતંકવાદી હુમલો કરવાની યોજના બની રહી હતી. જમ્મુ-કશ્મીર પોલીસે આ પ્રકારના ખુલાસા અગાઉ પણ કર્યા છે, એટલે આ પહેલી ઘટના નથી.

છેલ્લાં થોડાં દિવસોમાં જૈશ સાથે જોડાયેલા આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે, ઘણાં ઘૂસણખોરીના પ્રયાસો પણ ખીણમાં નિષ્ફળ બનાવવામાં આવ્યા છે, પરંતુ હવે કાવતરાના તાર સીધા દિલ્હી-NCR સુધી પહોંચ્યા છે, તપાસ એજન્સીઓ વધુ સક્રિય બની ગઈ છે.