મુંબઈઃ જ્વેલરી બજારમાં આ દિવસોમાં ખાસ રોનક જોવા મળી રહી છે. આ રોનક ગણેશોત્સવની ધૂમને કારણે છે. નાના-મોટા ગણેશ પંડાલોની સાથે સામાન્ય ઘરોમાં પણ ગણેશ પ્રતિમાના શણગાર માટે સોના-ચાંદીનાં આભૂષણોની જોરદાર માગ છે. ગણેશોત્સવ દરમિયાન માત્ર મુંબઈમાં જ 200 ટન સોનાનાં આભૂષણોનું વેચાણ થવાનું છે, જ્યારે દેશભરમાં આ આંકડો લગભગ 250 ટન સુધી પહોંચવાની આશા છે.
રૂ. 4000 કરોડના વેપારનો અંદાજ
ગણેશોત્સવ શરૂ થાય તે પહેલાં ગણપતિ બાપ્પાના ભવ્ય સ્વાગતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વર્ષે ગણેશોત્સવ ગણેશોત્સવ શરૂ થવાના લગભગ પાંચ દિવસ પહેલાંથી જ માગમાં તેજી આવી ગઈ હતી. તેનું કારણ ઘરોમાં સ્થાપિત થનારી ગણેશ પ્રતિમાઓ માટે ખરીદવામાં આવતાં આભૂષણો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના રાષ્ટ્રીય પ્રવક્તા કુમાર જૈનના જણાવ્યાનુસાર ગણેશ ચતુર્થી સુધીમાં લગભગ રૂ. 4000 કરોડના વેપારનો અંદાજ છે.
દરરોજ રૂ. 200 કરોડથી વધુનો વેપાર
જ્વેલર્સના જણાવ્યાનુસાર ગણેશ પાદુકા (સેન્ડલ), નેકલેસ, ઉંદર, જાસવંતીના પાન, જાસવંતીના ફૂલ, ગણેશની મૂર્તિઓ, ચેન, ઇયરરિંગ્સ, બાજુબંધ, ત્રિશૂળ અને હનુમાનની ગદા જેવાં આભૂષણોની સૌથી વધુ માગ છે. વધેલી માગને સમયસર પૂરી કરવા માટે કારીગરો દિવસ-રાત કામ કરી રહ્યા છે.
હકીકતમાં, ગણેશને મનોકામના પૂર્ણ કરનાર દેવતા પણ માનવામાં આવે છે. જે ગણેશ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ છે, તેઓ જોરદાર ખરીદી કરી રહ્યા છે. બજારમાં 10 ગ્રામથી લઈને 150 ગ્રામ સુધીના સોનાના હાર, પાદુકા પત્ર, 15 ગ્રામથી 25 ગ્રામ સુધીના સોનાના મોદક અને ચૂડા ઉપરાંત ફૂલોની પણ ખરીદી થઈ રહી છે. મુંબઈના સરાફા બજારમાં દરરોજ રૂ. 200થી રૂ. 225 કરોડનાં આભૂષણોનું વેચાણ થઈ રહ્યું છે. અહીં દરરોજ લગભગ 150 હારનું વેચાણ થઈ રહ્યું છે.

મોંઘવારી પર ભારે ભક્તિ
ઝવેરી બજારના જ્વેલર્સના જણાવ્યા અનુસાર, સોનું મોંઘું થવાની ખરીદી પર કોઈ ખાસ અસર થઈ નથી. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે સોનાના ભાવ લગભગ 40 ટકા વધારે છે, તેમ છતાં જ્વેલરીની માગ બમણી છે.
ચાંદીના વેપારીઓની પણ ચાંદી
સોનાની સરખામણીમાં ચાંદીના બજારમાં વધુ રોનક જોવા મળી રહી છે. ચાંદીના મોદક અને ઉંદરની સૌથી વધુ વેચાણ થઈ રહ્યું છે.




