કુર્નુલમાં બસમાં આગ લાગતાં 20 લોકો જીવતા ભૂંજાયા

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના કુર્નુલ જિલ્લામાં એક ખાનગી સ્લીપર બસમાં આગ લાગતાં ભયાનક અકસ્માત થયો હતો. કુર્નુલ જિલ્લામાં બનેલી આ દુર્ઘટનામાં 40 મુસાફરો લઈ બેંગ્લોર જઈ રહેલી બસમાં આગ લાગતાં 20 લોકોનાં મોત થયાં છે. કાવેરી ટ્રાવેલ્સ હેઠળ હૈદરાબાદથી બેગલોર જતી આ બસ ચિન્નાતેકુરુ ગામની પાસે એક બાઇક સાથે અથડાતાં સંપૂર્ણપણે સળગી ખાખ થઈ ગઈ.

પ્રાપ્ત માહિતી મુજબ બસમાં કુલ 41 મુસાફરો સવાર હતા. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. કાવેરી ટ્રાવેલ્સની આ બસ મધરાતના આસપાસ હૈદરાબાદથી રવાના થઈ હતી. જેમ-જેમ તે કુર્નુલ શહેરની બહારની હદ ઉલિંડાકોન્ડા પાસે પહોંચી, પાછળથી આવતી એક બાઇક બસ સાથે અથડાઈ ગઈ.

તેને કારણે બાઇક બસની નીચે ફસાઈ ગઈ અને ઈંધણની ટાંકી સાથે અથડાતાં જોરદાર આગ લાગી. આ આગ ઝડપથી બસમાં ફેલાઈ ગઈ. કુનુલના કલેક્ટર ડો. એ. સિરીએ જણાવ્યું હતું  કે આ દુર્ઘટના સવારે 3થી 3:10 વચ્ચે બની હતી.

આ બસમાં કુલ 41 મુસાફરો હતાં, જેમાંથી 21 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બાકીના 20માંથી 11ના મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે, બાકીની ઓળખની પ્રક્રિયા ચાલુ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે આંધ્ર પ્રદેશના કુરુનૂલમાં બસમાં લાગેલી આગની દુર્ઘટનામાં થયેલા જાનહાનિ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ ટ્વિટ કર્યું હતું કેકુર્નુલ જિલ્લાના ચિન્ના ટેકુર ગામની પાસે થયેલી બસ આગની દુર્ઘટનાની ખબર સાંભળીને હું ખૂબ જ દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેવા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. સરકારી અધિકારીઓ ઘાયલો અને અસરગ્રસ્ત પરિવારોને દરેક શક્ય મદદ કરશે.