તેલંગાણામાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ગોઝારો અકસ્માત, 20 લોકોના મોત

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના ચેવેલા મંડલમાં ખાનપુર ગેટ પાસે બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 19 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના મામલે પરિવહન મંત્રી પોન્નમ પ્રભાકર અને કેટીઆરએ શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોને સારી સારવાર આપવાના નિર્દેશ આપ્યા હતા.

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં રવિવારે સવારે થયેલા એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં ઓગણીસ લોકોના મોત થયા. જ્યારે આ ઘટનામાં અન્ય 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ત્રણ ગંભીર રીતે ઘાયલ છે. ચેવેલ્લા મંડલમાં ખાનપુર ગેટ પાસે આ અકસ્માત થયો હતો જ્યારે એક TGSRTC બસ અને એક ટિપર ટ્રક સામસામે અથડાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સવારે આ અકસ્માત ત્યારે થયો જ્યારે ખોટી દિશામાંથી આવી રહેલ ટિપર ટ્રક બસ સાથે અથડાઈ.

પોલીસના જણાવ્યા અનુસાર, ચેવેલા નજીક કાંકરી ભરેલી એક ટિપર ટ્રક રાજ્ય પરિવહન નિગમની બસ સાથે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ટ્રકનો માલ બસ પર પડી ગયો. સ્થાનિક રહેવાસીઓની મદદથી, ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. પોલીસે જણાવ્યું કે અકસ્માતનું પ્રાથમિક કારણ ટ્રક ચાલક ખોટી દિશામાં વાહન ચલાવી રહ્યો હોવાનું જણાય છે. હાલમાં ડ્રાઇવરની ઓળખ કરવામાં આવી રહી છે, અને કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

19 લોકોમાં 10 મહિલાઓ અને એક ત્રણ મહિનાનું બાળક શામેલ

ઘટનાસ્થળે પહોંચેલા એડમિનિસ્ટ્રેશન ડિરેક્ટર જનરલ મહેશ ભાગવતે જણાવ્યું હતું કે આજે સવારે, જ્યારે વિકારાબાદ ડેપો બસ હૈદરાબાદ તરફ જઈ રહી હતી, ત્યારે એક ટીપર ટ્રક હૈદરાબાદથી વિકારાબાદ તરફ ચેવેલા થઈને આવી રહી હતી, એવામાં સામસામે ટક્કર થઈ. ટીપર ખૂબ જ ઝડપથી જઈ રહ્યું હતું અને બસને ટક્કર મારી હતી એવું કહેવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 19 લોકોના મોત થયા છે, 10 મહિલાઓ, 8 પુરુષો અને એક 3 મહિનાનું બાળક. નાની ઈજાઓ ધરાવતા લોકો ચેવેલા સરકારી હોસ્પિટલમાં છે. ગંભીર રીતે ઘાયલ લોકો ચેવેલા નજીકની બીજી હોસ્પિટલમાં છે. કેટલાક અન્ય લોકો પહેલાથી જ ઘરે ગયા છે અને અમે તેમને શોધી રહ્યા છીએ. કંડક્ટરના નિવેદન મુજબ, બસમાં અંદાજે 72 લોકો હતા. અમે આ વાતની પુષ્ટિ કરી રહ્યા છીએ.

અકસ્માતમાં ઘાયલોની હાલત સ્થિર

પીએમઆર હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રામકૃષ્ણ રેડ્ડીએ જણાવ્યું હતું કે, “અમને સવારે લગભગ 8:30 વાગ્યે આ મોટા અકસ્માતના સમાચાર મળ્યા હતા. અત્યાર સુધીમાં અમને 14 દર્દીઓ મળ્યા છે. તેમાંથી પાંચ દર્દીઓને ફ્રેક્ચર છે, જેમાં પાંસળી અને હિપ ફ્રેક્ચરનો સમાવેશ થાય છે. એક દર્દીના નાકમાંથી રક્તસ્ત્રાવ થતો હતો. અમે તાત્કાલિક તેમની સારવાર શરૂ કરી દીધી. લગભગ બધા જ હવે સ્થિર સ્થિતિમાં છે.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. આ દુ:ખદ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.”

પીએમ મોદીએ મૃતકોના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.