નૌકામાં આગ લાગ્યા પછી પલટતાં 148નાં મોત, અનેક લાપતા

નવી દિલ્હીઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઓઇલ લઈ જતી એક નૌકામાં આગ લાગી હતી અને એ ઊંધી વળી જતાં કમસે કમ 148 લોકોનાં મોત થયાં છે અને અનેક લાપતા થયા છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી. 

સ્થાનિક અધિકારીઓના અહેવાલ અનુસાર એક લાકડાની નૌકામાં કુલ 500 જેટલા મુસાફરો સવાર હતા,જેમાં મહિલા અને બાળકો પણ સામેલ હતા. એ દરમ્યાન આગ લાગી હતી. આ દુર્ઘટના કોંગોના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં સર્જાઈ હતી. આ દુર્ઘટના ઇક્વેટરની રાજધાની મબંડાકાની પાસે અ કોંગો નદીના સંગમ પર થઈ હતી. કોંગો વિશ્વની સૌથી ઊંડી નદી છે.

એક મહિલાએ ખાવાનું બનાવવા માટે આગ લગાડી હતી, એની ચિંગારીથી પાસે રહેલા ઓઇલમાં આગ લાગી હતી અને એનાથી ધડાકો થયો હતો, જેને કારણે નૌકા પલટી ગઈ હતી, એમ એખ અધિકારીએ જણાવ્યું હતું.કોંગોમાં બોટ દુર્ઘટના સામાન્ય વાત છે. અહીં લાકડાની બનેલી બોટો પરિવહનનું મુખ્ય સાધન મનાય છે અને અનેક વાર તેમાં ક્ષમતા કરતાં વધારે લોકોની અવર-જવર કરવામાં આવે છે, જે દુર્ઘટનાનું કારણ બને છે. તાજેતરની દુર્ઘટનામાં હજુ પણ સેંકડો લોકો ગુમ છે જેને કારણે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલા મૃતકાંક 50 જણાવાયો હતો જોકે પછીથી આંકડો વધ્યો હતો. આ બોટ મટનકુમુ પોર્ટથી બોલોમ્બા માટે જવા રવાના થઈ હતી એમ અહેવાલ કહે છે.