નવી દિલ્હીઃ આતંકવાદ વિરુદ્ધ ભારતની સૈનિક કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનના ટોચના આતંકવાદી મસૂદ અઝહરનું આખું કુટુંબ ખતમ થયું છે. ભારતની એરસ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા છે, જ્યારે તેના ચાર નજીકના સાથીઓનાં પણ મોત થયાં છે.
પાકિસ્તાનના બહાવલપુરમાં થયેલી ભારતીય એરસ્ટ્રાઇકમાં અઝહરનું આખું કુટુંબ ખતમ થયુંછે. જૈશ-એ-મહમ્મદ તરફથી નિવેદન બહાર પાડી આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. આ હુમલામાં મૃત્યુ પામેલા અઝહરના પરિવારના સભ્યો અને નજીકના લોકોની આજે જ દફનવિધિ કરવામાં આવશે.
આ આતંકવાદી સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મૌલાના મસૂદ અઝહરની મોટી બહેન અને મૌલાના કશફનો પરિવાર, મુફ્તી અબ્દુર રઉફના પૌત્રો-પૌત્રીઓ આ હુમલામાં મોતને ભેટ્યા છે, જ્યારે અનેક પરિવારજનો ઘાયલ થયા છે. આ હુમલામાં પરિવારના ખતમ થયા બાદ મસૂદ અઝહરે કહ્યું હતું કે હું પણ મરી જાત તો સારું થાત.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઓપરેશનનું નામ “ઓપરેશન સિંદૂર” રાખ્યું હતું. પીએમ મોદીએ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન થયેલી સતત બેઠકમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ હિંદુ પુરુષોને નિશાન બનાવી વિધવા પત્નીઓ છોડી દીધી હતી. તેથી ભારતે કડક સંદેશ આપવો જરૂરી હતો કે આતંકવાદીઓને જવા દેવામાં નહિ આવે.
આ હુમલામાં અત્યાર સુધીમાં 90 આતંકીઓના ઠાર થવાની ખબર છે. ભારતીય ગુપ્તચર એજન્સી રો (RAW)એ એરસ્ટ્રાઇક માટે તમામ લક્ષ્યોની ઓળખ કરી હતી, જેના આધારે લશ્કર અને જૈશના ઠેકાણા ઉપર હુમલા કરવામાં આવ્યા હતા.
પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત થયા હતા અને 17 ઘાયલ થયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ઘાટીમાં થયો હતો જેમાં આતંકવાદીઓએ લોકોને ટાર્ગેટ કરીને માર્યા હતા.
ભારતે પહેલગામ આતંકવાદી હુમલોનો બદલો લેતાં “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાન અને POK સ્થિત કુલ નવ આતંકી ઠેકાણાંઓ પર સ્ટ્રાઇક કરી છે. આ કાર્યવાહી રાત્રે લગભગ સાડા બાર-એક વાગ્યાની આસપાસ કરવામાં આવી. આ દરમિયાન બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં સ્ટ્રાઇક કરવામાં આવી હતી.
