પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈકમાં નવ બાળકો સહિત 10નાં મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાને અફઘાનિસ્તાનના અનેક પ્રાંતોમાં રાતોરાત એર સ્ટ્રાઇક અને ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં નવ બાળકો સહિત ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે. પાકિસ્તાને ડ્યુરન્ડ રેખા નજીક તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને તેના ગઠબંધન જૂથ જમાત-ઉલ-અહેરારનાં શંકાસ્પદ સ્થાનોને નિશાન બનાવ્યાં હતાં. કૂનર, પાક્તિકા અને ખોસ્ટ પ્રાંતોમાં થયેલી આ સ્ટ્રાઇક્સને લઈને તાલિબાન પ્રશાસનમાં ભારે ગુસ્સો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

હવાઈ હુમલાથી ભારે નુકસાન

આ ઓપરેશન મુખ્યત્વે પાક્તિકા પ્રાંતના બર્મલ વિસ્તારમાં કેન્દ્રિત હતું, જેને જમાત-ઉલ-અહેરારના આતંકવાદીઓનો ગઢ માનવામાં આવે છે. ડ્રોન હુમલાઓએ એક ગેસ્ટ હાઉસ (‘હુજરા’) નજીક ઊભેલા વાહનને નિશાન બનાવ્યું હતું. બર્મલના સ્થાનિક લોકો કહે છે કે મધરાત બાદ જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. આ એ જ વિસ્તાર છે જ્યાં 2022માં ભૂતપૂર્વ TTP નેતા ઉમર ખાલિદ ખુરાસાની માર્યા ગયા હતા.

તાલિબાન પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદના જણાવ્યા મુજબ ખોસ્ટ પ્રાંતમાં થયેલા હુમલામાં નવ બાળકો અને એક સ્ત્રી સહિત 10 નાગરિકો માર્યા ગયા હતા. મુજાહિદે વધુમાં જણાવ્યું કે કૂનર અને પાક્તિકા પ્રાંતોમાં થયેલા હુમલામાં અન્ય 4 નાગરિકો ઘાયલ થયા છે.

અફઘાન ટોચના નેતૃત્વના ઇશારે પાકિસ્તાનમાં થઈ રહ્યા છે હુમલા

પાકિસ્તાને તાજેતરમાં એવો આરોપ લગાવ્યો છે કે અફઘાનિસ્તાનની જમીન પરથી કાર્યરત આતંકવાદીઓ દ્વારા હુમલાની શ્રેણી ચલાવવામાં આવી રહી છે. આ મહિનાની શરૂઆતમાં ઇસ્લામાબાદમાં એક આત્મઘાતી વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકોનાં મોત થયાં હતાં. ઇસ્લામાબાદે આ હુમલાખોરોને અફઘાનિસ્તાનના ટોચના કમાન્ડર્સ દ્વારા માર્ગદર્શન મળ્યું હોવાનું જણાવ્યું હતું.

બન્ને દેશો વચ્ચે છેલ્લા ઘણા મહિનાથી તણાવ ચાલી રહ્યો છે. ઓક્ટોબરમાં બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદે ગોળીબારી થઈ હતી, ત્યાર બાદ યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યું હતું, જે સતત દબાણમાં રહ્યું છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં કરાયેલી આ એર સ્ટ્રાઈક્સ પેશાવરમાં થયેલા બે આત્મઘાતી વિસ્ફોટોના તરત બાદ કરવામાં આવી હતી, જેમાં ત્રણ અર્ધસૈનિક કર્મચારીઓનાં મોત થયાં હતાં.