સ્માર્ટફોનની બાળકો પર અસરને લઈ UNનો ચોંકાવનારો રિપોર્ટ

અમેરિકા: યુનેસ્કોના ધી ગ્લોબલ એજ્યુકેશન મોનિટરીંગ (G.E.M) અહેવાલમાં ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગ અને વિદ્યાર્થીઓના પરફોર્મન્સ વચ્ચે નકારાત્મક સંબંધ હોવાની જાણકારી આપવામાં આવી છે. મોટા પાયે આંતરરાષ્ટ્રીય ડેટા દર્શાવે છે કે મોબાઈલ જેવા ઉપકરણોની સરળ ઉપલબ્ધિ વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકાવીને અભ્યાસમાં અવરોધ સર્જે છે. તેમ છતાં માત્ર ૨૫ ટકા દેશોએ સ્કૂલમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ મુક્યા છે. યુનેસ્કોના અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે સ્માર્ટફોન સહિતની ટેકનોલોજી માત્ર શિક્ષણમાં સહાય કરતી હોય ત્યારે જ ઉપયોગમાં લેવી જોઈએ.

યુનેસ્કોએ ટેકનોલોજીથી શિક્ષણને હાનિના સ્થાને લાભ થાય તેની ખાતરી કરવા સ્પષ્ટ ગાઈડલાઈન્સ ઘડવાની સલાહ આપી છે. અહેવાલમાં ટેકનોલોજીના અતિઉપયોગથી વિક્ષેપ, માનવ સંપર્કમાં ઘટાડો અને ગોપનીયતા તેમજ લોકશાહી સામે જોખમની ચેતવણી પણ આપવામાં આવી છે.

ડિજિટલ ટેકનોલોજીના કારણે ખાસ કરીને સમૃદ્ધ દેશોમાં યુવા પેઢીને જરૂરી જાણકારી મળી રહે છે, પણ તમામ કિસ્સામાં સ્ક્રિન અને કી-બોર્ડ લાભકારી નથી રહ્યા. કોવિડ દરમ્યાન ઓનલાઈન શિક્ષણની ક્ષમતા અને ખામી બંને સામે આવ્યા હતા. ટેકનોલોજીના વધુ પડતા વપરાશથી વિદ્યાર્થીઓની એકાગ્રતા પર નકારાત્મક અસર પડતી હોવાનું સામે આવ્યું છે. ફોનનો ઉપયોગ શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળ્યો છે.