હોળી-ધુળેટીના તહેવારમાં ઈમર્જન્સી કેસ માટે ‘108’ સેવા સજ્જ

ગાંધીનગર: રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન ઇમર્જન્સી કેસોમાં વધારો થવાની સંભાવના છે. જેને પહોંચી વળવા માટે 108 EMS દ્વારા રાજ્યવ્યાપી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભૂતકાળના ડેટા અને વર્તમાન શક્યતા અનુસાર, સામાન્ય દિવસોમાં નોંધાતા સરેરાશ 4,679 કેસોની સરખામણીએ હોળી (2-3 માર્ચ) દરમિયાન કેસોમાં 12.31 ટકા અને ધૂળેટી (4 માર્ચ)ના રોજ કેસોમાં 44.13 ટકા જેટલો વધારો થવાની શક્યતા છે. આ વર્ષે ચંદ્રગ્રહણને કારણે હોળીની ઉજવણી બે દિવસ લંબાઈ શકે તેમ હોવાથી તંત્ર દ્વારા તે મુજબનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.108 EMSના અધિકારી અનુસાર,”તહેવાર દરમિયાન ઇમર્જન્સી કેસોના ટ્રેન્ડ્સ પર નજર કરીએ તો, ધૂળેટીના દિવસે સૌથી વધુ જોખમ જોવા મળી રહ્યાં છે. સામાન્ય દિવસોના 631 કેસની સામે ધૂળેટીના દિવસે માર્ગ અકસ્માતના કેસોમાં 127.89%નો વધારો થઈને 1,438 કેસ નોંધાઈ શકે છે. તેવી જ રીતે, શારીરિક મારામારીના કિસ્સાઓમાં પણ ચિંતાજનક 401%નો વધારો થવાની આગાહી છે. આણંદ, દાહોદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને ડાંગ જેવા જિલ્લાઓમાં ઇમર્જન્સી કેસોમાં 20%થી વધુનો ઉછાળો જોવા મળી શકે છે. બિન-વાહન અકસ્માતોમાં પણ ધૂળેટીના દિવસે 164.76% જેટલા વધારાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.”

આ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે 108-EMS દ્વારા રાજ્યભરમાં 1,493 એમ્બ્યુલન્સને સંપૂર્ણ કાર્યરત રાખવામાં આવી છે. હોસ્પિટલોમાં વધારાના સુપરવાઇઝરી સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે જેથી કોઈપણ કટોકટીમાં તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વાહન ચલાવતી વખતે પૂરતી સાવચેતી રાખે અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે.