ઓમર સરકાર સંકટમાં: શું જમ્મુ-કાશ્મીરમાં થશે ખેલો?

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબદુલ્લા પાર્ટીના નારાજ ધારાસભ્યો સાથે મુલાકાત કરી રહ્યા છે. તાજેતરમાં થયેલા મંત્રીમંડળના ફેરફાર બાદ આ ધારાસભ્યોએ પક્ષના નેતૃત્વ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. નેશનલ કોન્ફરન્સના કુલ 41 ધારાસભ્યોમાંથી આશરે 18 ધારાસભ્યો સરકાર અને સંગઠનની કામગીરીમાં મોટા સુધારા, જવાબદારી નક્કી કરવા તથા મુખ્ય મંત્રીના એક નજીકના સહયોગીને પદ પરથી હટાવવાની માગ કરી રહ્યા છે.

CM ઓમર અબદુલ્લા અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબદુલ્લા સાથે યોજાનારી આ મહત્ત્વપૂર્ણ બેઠક પહેલાં નારાજ ધારાસભ્યોએ આંતરિક બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે CMને સોંપવામાં આવેલા આવેદનમાં રજૂ કરાયેલી માગો પર એકજૂથ રહેવાનો નિર્ણય કર્યો હતો.

બળવાખોર નેતાઓની શું છે માગો?

નારાજ ધારાસભ્યોએ લોકોની અપેક્ષાઓ અને સરકારની કામગીરી વચ્ચે વધી રહેલા અંતર અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત તેમણે કુશાસન, જવાબદારીના અભાવ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે યોગ્ય પરામર્શ ન થવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. અસંતુષ્ટ ધારાસભ્યોએ CMના સલાહકારપદેથી વાનીને હટાવવાની માગ કરી છે. તેમનો આરોપ છે કે આ સલાહકારને કારણે પાર્ટીનું નેતૃત્વ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે અંતર વધી રહ્યું છે. આ ઉપરાંત નબળી કામગીરી કરી રહેલા મંત્રીઓને બદલવા, ચૂંટણી ઢંઢેરાનો અમલ કરવા અને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો તથા રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે ફરીથી સંઘર્ષ શરૂ કરવાની માગ પણ કરવામાં આવી છે.

એક ધારાસભ્યએ જણાવ્યું હતું કે અમે પાર્ટીમાં આંતરિક લોકશાહી માટે લડવાની પ્રતિજ્ઞા લીધી છે. અમે જવાબદારી ઇચ્છીએ છીએ, પાર્ટીના ચૂંટણી ઢંઢેરાનો અમલ કરવા માટે રોડમેપ ઇચ્છીએ છીએ અને ધારાસભ્યોને વધુ સત્તા આપવા માગીએ છીએ. ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ બળવાખોર નથી, પરંતુ માત્ર પાર્ટીને મજબૂત બનાવવા માગે છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે અમે બળવાખોર નથી. અમે પાર્ટીને મજબૂત બનાવવા માગીએ છીએ. બેઠકમાં હાજર તમામ લોકો ઇચ્છતા હતા કે પાર્ટી એકજૂથ રહે. અમે માત્ર જવાબદારીની માગ કરી રહ્યા છીએ અને પાર્ટી તથા સરકારને કેટલાક ખાસ લોકોની અંગત જાગીરની જેમ ચલાવવા નહીં દઈએ.

ફારુક અબદુલ્લાને મળ્યા અસંતુષ્ટ ધારાસભ્યો

નેશનલ કોન્ફરન્સના નારાજ ધારાસભ્યોએ આજે શ્રીનગરમાં પાર્ટીના પ્રમુખ ફારુક અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સવારે ફારુક અબ્દુલ્લાના નિવાસસ્થાને શરૂ થઈ હતી.