UP ચૂંટણી: UGC વિવાદને ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે કેન્દ્ર

નવી દિલ્હીઃ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલી સમાનતાને લગતી માર્ગદર્શિકાને લઈને સામાન્ય વર્ગના લોકો કેન્દ્રની મોદી સરકારની આકરી ટીકા કરી રહ્યા છે. આ વિવાદને કારણે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપની ચિંતાઓ પણ વધી ગઈ છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે તે આ માર્ગદર્શિકાઓ પર પુનર્વિચાર કરવા માટે નવી સમિતિ બનાવવાની તૈયારી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ વર્ષે જાન્યુઆરીના અંતમાં UGCના નિયમો પર રોક લગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં આ માર્ગદર્શિકાઓની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેન્ચને જણાવ્યું હતું કે સરકાર એક સમિતિ બનાવવાની વિચારણા કરી રહી છે.

સુપ્રીમ કોર્ટે પણ પુનર્વિચાર કરવાની સલાહ આપી હતી

સુપ્રીમ કોર્ટની CJIની આગેવાની હેઠળની બેન્ચમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.એસ. મોહના પણ સામેલ હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે આ નિયમો પર ફરીથી વિચાર કેમ નથી કરતા, જેથી આગામી પેઢીનાં હિતોનું ધ્યાન રાખી શકાય? આ નિયમોએ દરેક વિદ્યાર્થીનાં હિતોનું રક્ષણ કરવું જોઈએ.

UGC રેગ્યુલેશન 2026ની ટીકા કરનારા લોકો ખાસ કરીને નિયમ 3(1) (c)નો વિરોધ કરી રહ્યા છે. આ નિયમમાં જાતિ આધારિત ભેદભાવને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC)ના સભ્યો સામે જાતિ અથવા જનજાતિને આધારે કરવામાં આવતા ભેદભાવ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે.

ભાજપના અનેક પદાધિકારીઓએ આપ્યું હતું રાજીનામું

આ વર્ષની શરૂઆતમાં UGCના નિયમો સામે વિરોધ કરતાં સવર્ણ હિતોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે આ નિયમોનો ઉપયોગ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને હેરાન કરવા અને સમાજમાં જાતિના આધારે ભાગલા પાડવા માટે થઈ શકે છે. આ વિરોધ બાદ ઉત્તર પ્રદેશમાં ભાજપના અનેક પદાધિકારીઓએ રાજીનામાં આપી દીધાં હતાં.

2024માં SC, ST અને OBCના મતબેંકને લાગ્યો હતો ફટકો

2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠકોની સંખ્યા 303થી ઘટીને 240 થઈ ગઈ હતી. તેનું એક કારણ વિપક્ષ દ્વારા ચલાવવામાં આવેલું એ અભિયાન પણ હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો સત્તાધારી પક્ષ વધુ મજબૂત જનાદેશ સાથે સત્તામાં પાછો ફરશે તો તે બંધારણમાં ફેરફાર કરશે અને અનામત વ્યવસ્થા નાબૂદ કરી દેશે.