કૈલાસ માન સરોવર યાત્રા કરનારા શિવભક્તો માટે એક મોટાં સમાચાર સામે આવ્યાં છે. યાત્રાળુઓ આ વર્ષે 1લી ઓક્ટોબરથી ચીન હસ્તકના તિબેટ સ્થિત હિન્દુઓના પવિત્ર સ્થળ કૈલાસ પર્વતનાં ભારતીય ક્ષેત્રમાં રહીને દર્શન કરી શકશે. ઉત્તરાખંડમાં કુમાઉ મંડલ વિકાસ નિગમ (કે.એમ.વી.એન.)એ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. શ્રદ્ધાળુઓને પિથોરાગઢ જિલ્લામાં આવેલા ઓલ્ડ લિપુલેખ પાસ પર બનાવાયેલા વ્યૂ પૉઇન્ટથી કૈલાસ પર્વતનાં દર્શન કરાવાશે. અત્યાર સુધી નેપાળ, સિક્કિમ અને ઉત્તરાખંડના રસ્તેથી કૈલાસયાત્રા યોજાતી હતી. પરંતુ કોરોનાકાળથી ચીને રસ્તો બંધ કરી દીધો હોવાથી યાત્રા બંધ હતી.કે.એમ.વી.એન.ના TDO લલિત તિવારીએ ભાસ્કરને કહ્યું, “યાત્રામાં 22થી 55 વર્ષની વયના શ્રદ્ધાળુઓ જ જઈ શકશે. આ માટે વ્યક્તિદીઠ રૂ. 80 હજાર ભાડું નક્કી કરાયું છે. પહેલાં 75 હજાર રૂપિયા પ્રસ્તાવિત હતું. પરંતુ ખર્ચ વધતાં ભાડું વધારાયું છે. પૅકેજમાં હૅલિકોપ્ટર તેમજ જીપનું ભાડું, રોકાણ, ખાવા-પીવાના ખર્ચનો સમાવેશ થાય છે. યાત્રાનું બુકિંગ કે.એમ.વી.એન.ની વેબસાઇટ પરથી શુક્રવારથી શરૂ થશે. યાત્રા ચાર દિવસની રહેશે.”