અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 29 મે, સોમવારે રાતે અને 30 મેના મંગળવારની વહેલી સવારે બે વાગ્યા સુધી ચાલેલા ફાઈનલ જંગમાં આખરે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ગુજરાત ટાઈટન્સને ડકવર્થ-લૂઈસ સિસ્ટમ અનુસાર પાંચ-વિકેટે પરાજય આપીને આઈપીએલ-2023 વિજેતાપદ જીતી લીધું હતું. ચેન્નાઈ ટીમે આ પાંચમી વખત વિજેતા ટ્રોફી પ્રાપ્ત કરી છે. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સ ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 214 રન કર્યા હતા. ત્યારબાદ ચેન્નાઈના દાવની શરૂઆતમાં જ વરસાદ પડ્યો હતો. તે વિઘ્નને કારણે ચેન્નાઈ ટીમ માટે નવો ટાર્ગેટ આવ્યો હતો – 15 ઓવરમાં 171 રન.
ઋતુરાજ ગાયકવાડ (26 રન – 16 બોલમાં 3 ચોગ્ગા, એક છગ્ગો) અને ડેવોન કોનવે (47 રન – 25 બોલમાં 4 ચોગ્ગા, બે છગ્ગા)ની ઓપનિંગ જોડીએ 74 રન કર્યા હતા. તે પછીના ક્રમે આવેલા શિવમ દૂબેએ 32 રન (21 બોલમાં બે છગ્ગા), અજિંક્ય રહાણેએ 27 (13 બોલમાં બે ચોગ્ગા, બે છગ્ગા), અંબાતી રાયડુએ 19 રન (8 બોલમાં એક ચોગ્ગો, બે છગ્ગા) કર્યા બાદ રવિન્દ્ર જાડેજાએ ગુજરાત ટીમને આખરી ફટકો માર્યો હતો. એણે મોહિત શર્માની આખરી ઓવરના છેલ્લા બે બોલમાં સિક્સર અને બાઉન્ડરી ફટકારીને ચેન્નાઈને વિજય અપાવ્યો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે 2010, 2011, 2018, 2021 અને હવે 2023માં વિજેતાપદ હાંસલ કર્યું છે.
ડેવોન કોનવેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.