ટોક્યો ઓલિમ્પિક્સમાં રવિવાર ટીમ ઈન્ડિયા માટે આનંદભર્યો રહ્યો…
મહિલા બેડમિન્ટનમાં સિંગલ્સનો ગોલ્ડ મેડલ ચીનની ચેન યૂ ફેઈએ અને સિલ્વર મેડલ તાઈપેઈની તાઈ તૂ-યીન્ગે જીત્યો છે. સિંધુનાં દક્ષિણ કોરિયન કોચ પાર્ક તે-સાંગ એમની શિષ્યાની જીતને કારણે ખુશ થઈ ગયા હતા. સિંધુ 2019ની સાલથી તેનાં આ નવા કોચ પાર્ક તે-સાંગ પાસે તાલીમ લઈ રહી છે. મનપ્રીત સિંહ પવારના નેતૃત્ત્વ હેઠળ પુરુષોની હોકી ટીમે ક્વાર્ટર ફાઈનલમાં ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમી ફાઈનલમાં ભારતનો મુકાબલો બેલ્જિયમ સામે થશે. આજની મેચમાં, દિલપ્રીતસિંહે મેચની 7મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં, 16મી મિનિટે ગુર્જન્તસિંહે ગોલ કરી ભારતને સરસાઈ અપાવી હતી. હાર્દિક સિંહે 57મી મિનિટે ટીમનો ત્રીજો ગોલ કર્યો હતો. એ પહેલાં 54મી મિનિટે કેપ્ટન મનપ્રીતસિંહને યેલો કાર્ડ બતાવવામાં આવ્યું હતું અને બ્રિટનને પેનલ્ટી કોર્નર લાભ મળ્યો હતો, પણ ગોલકીપર શ્રીજેશે હરીફ ટીમના એ જોરદાર ગોલ-પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. શ્રીજેશે એ પહેલા પણ બ્રિટનના બે પેનલ્ટી કોર્નરને ગોલમાં પરિવર્તિત થતા નિષ્ફળ બનાવ્યા હતા. બ્રિટનનો એકમાત્ર ગોલ સેમ્યુઅલ ઈયાન વોર્ડે ત્રીજા ક્વાર્ટરમાં કર્યો હતો. ભારતે 41 વર્ષ પછી પહેલી વાર ઓલિમ્પિક ગેમ્સમાં સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. છેલ્લે, 1980ની મોસ્કો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.