જોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી

પેરિસમાં રોલાં ગેરોસ સ્ટેડિયમ ખાતે 13 જૂન, રવિવારે રમાઈ ગયેલી ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ સ્પર્ધામાં પુરુષોના વર્ગની સિંગલ્સ ફાઈનલ મેચમાં સર્બિયાના 34 વર્ષના નોવાક જોકોવિચે ગ્રીસના 22 વર્ષના સ્ટીફાનોસ સિતસિપાસને 6-7(6), 2-6, 6-3, 6-2, 6-4 સ્કોરથી હરાવીને વિજેતાપદ હાંસલ કર્યું હતું. આ મેચ 4 કલાક 11 મિનિટ સુધી ચાલી હતી. જોકોવિચે કારકિર્દીમાં આ બીજી વાર ફ્રેન્ચ ઓપન સિંગલ્સ વિજેતાપદ જીત્યું છે. આ તેનું કુલ 19મું ગ્રાન્ડસ્લેમ વિજેતાપદ થયું છે.

જોકોવિચ હવે ઓપન યુગ ઈતિહાસમાં દુનિયાનો પહેલો એવો ખેલાડી બન્યો છે જેણે ચારેય ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા બબ્બે વાર જીતી છે. ફ્રેન્ચ ઓપન-2021માં મહિલાઓની ડબલ્સની ટ્રોફી ચેક પ્રજાસત્તાકની બાર્બોરા ક્રેજસિકોવા અને કેટરિના સિનિયાકોવાએ જીતી છે. તેમણે ફાઈનલ મેચમાં અમેરિકાની બીથેની મેટેક-સેન્ડ્સ અને પોલેન્ડની ઈગા સ્વાટેકની જોડીને 6-4, 6-2થી પરાજય આપ્યો હતો. આ મેચ એક કલાક અને 14 મિનિટ સુધી ચાલી હતી.બાર્બોરા ક્રેજસિકોવાએ આ જ સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સની ટ્રોફી પણ જીતી છે. ગયા શનિવારે રમાઈ ગયેલી ફાઈનલમાં બિનક્રમાંકિત બાર્બોરાએ રશિયાની 31મી સીડેડ એનેસ્તાસિયા પાવલૂચેન્કોવાને 6-1, 2-6, 6-4થી પરાજય આપ્યો હતો. છેલ્લે 1981માં, ચેક પ્રજાસત્તાકની હાના માંડલીકોવાએ ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સ વિજેતાપદ જીત્યું હતું.બાર્બોરા અને કેટરીનાએ આ સાથે તેમણે જીતેલાં ગ્રાન્ડસ્લેમ મહિલા ડબલ્સ ટ્રોફીઓની સંખ્યા 3 પર પહોંચાડી છે. 2018માં તેમણે ફ્રેન્ચ ઓપન તથા એ જ વર્ષમાં વિમ્બલડનમાં પણ ટ્રોફી જીતી હતી.

(તસવીર સૌજન્યઃ @rolandgarros)