ન્યૂઝીલેન્ડ પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા

કેન વિલિયમ્સનની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડ ટીમે 23 જૂન, બુધવારે સાઉથમ્પ્ટનના રોઝ બોલ મેદાન પર રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ભારતને 8-વિકેટથી હરાવીને પ્રારંભિક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું વિજેતાપદ હાંસલ કરી લીધું. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટની વર્તમાન બેસ્ટ ટીમ બની છે. વરસાદની સંભાવનાને કારણે મેચને એક અનામત દિવસની વ્યવસ્થા સાથે 6-દિવસની રાખવામાં આવી હતી. બુધવારે મેચ છઠ્ઠા દિવસમાં ગઈ હતી. ન્યૂઝીલેન્ડને જીત માટે 53 ઓવરમાં 139 રનનો જીતનો ટાર્ગેટ મળ્યો હતો. તેણે 45.5 ઓવરમાં બે વિકેટના ભોગે 140 રન કરીને મેચ અને વિજેતાપદ જીતી લીધું હતું. વિલિયમ્સન 52 અને રોસ ટેલર 47 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 96 રનની અતૂટ ભાગીદારી કરી હતી. ઓફ્ફ સ્પિનર અશ્વિને ટોમ લેથમ (9) અને ડેવોન કોન્વે (19)ની વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાઈલ જેમીસનને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો, જેણે પહેલા દાવમાં પાંચ અને બીજા દાવમાં બે વિકેટ લીધી હતી.

મેચ બાદ વિલિયમ્સને કહ્યું કે 2015 અને 2019માં ODI વર્લ્ડ કપ વિજેતાપદ સહેજ માટે ગુમાવી દેવાના દુઃખ બાદ હવે WTC વિજેતાપદ મળ્યું એ અમારી ટીમ માટે વિશેષ આનંદનો પ્રસંગ છે. બ્રિટનમાં હવામાન અણધાર્યું રહેતું હોવાથી મેચમાં અનામત દિવસ રાખ્યો એ બહુ સારું થયું.

આ જીત સાથે કેન વિલિયમ્સને બેસ્ટ ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે ‘ટેસ્ટ મેસ’ (ટેસ્ટ ગદા) પણ હાંસલ કરી છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે આ સ્પર્ધાની ફાઈનલ મેચ એકને બદલે બેસ્ટ-ઓફ-થ્રી રાખવી જોઈએ. (આમ કહીને કોહલીએ ટીમના હેડ કોચ અને ભૂતપૂર્વ કેપ્ટન સચીન તેંડુલકરે કરેલા આવા જ સૂચનને ટેકો આપ્યો છે)