ડે-નાઈટ ક્રિકેટ ટેસ્ટ મેચ રમીને ભારતે રચ્યો ઈતિહાસ…

ભારત અને પડોશી દેશ બાંગ્લાદેશે પોતપોતાની પહેલી જ ડે-નાઈટ ક્રિકેટ ટેસ્ટ મેચ રમીને ઈતિહાસ સર્જ્યો છે. આ પિન્ક-બોલ ટેસ્ટ મેચ 22 નવેંબર, શુક્રવારથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં શરૂ થઈ છે.


મેચનું ઉદઘાટન ખાસ આમંત્રિત બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ કર્યું હતું અને એ પ્રસંગે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી, 'ભારત રત્ન' સચીન તેંડુલકર, બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.


શેખ હસીનાએ સ્ટેડિયમમાં ખાસ મૂકવામાં પરંપરાગત ઈડન ઘંટ વગાડીને ડે-નાઈટ ટેસ્ટ મેચનો શુભારંભ કરાવ્યો હતો.


આ મેચ ગુલાબી રંગના બોલથી રમાઈ રહી છે. ટોસ બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ ઈસ્લામે જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ એની ટીમ પહેલા દાવમાં માત્ર 30.3 ઓવર જ રમી શકી હતી અને 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન હક સહિત ચાર બેટ્સમેન ઝીરો પર આઉટ થયા હતા. ઓપનર શાદમાન ઈસ્લામ 29 રન કરીને ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.


ભારત વતી બેસ્ટ બોલર રહ્યો ફાસ્ટ બોલર ઈશાંત શર્મા, જેણે 12 ઓવરમાં 4 મેઈડન નાખીને 22 રનમાં પાંચ વિકેટ લીધી હતી. અન્ય બે ફાસ્ટ બોલરમાં, ઉમેશ યાદવે 29 રનમાં 3 અને મોહમ્મદ શમીએ 36 રનમાં બે વિકેટ લીધી હતી.


બે ટેસ્ટમેચની સિરીઝની પહેલી ટેસ્ટ ભારત જીત્યું હતું.


ગ્રાઉન્ડ્સમેન ખાસ ગુલાબી રંગના ટીશર્ટમાં સજ્જ થયા હતા


લંચ બ્રેક વખતે મેદાન પર વાતચીત કરી રહ્યા છે ભૂતપૂર્વ ક્રિકેટરો - વી.વી.એસ. લક્ષ્મણ, હરભજન સિંહ, અનિલ કુંબલે, સચીન તેંડુલકર