એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃ ભારત-પાકિસ્તાન સંયુક્ત વિજેતા…

ઓમાનના મસ્કત શહેરમાં 28 ઓક્ટોબર, રવિવારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ફાઈનલ મેચ પડતી મૂકી દેવી પડતાં પરંપરાગત કટ્ટર હરીફ ટીમો – ભારત અને પાકિસ્તાનને પુરુષોની પાંચમી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી સ્પર્ધા-2018ના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ભારતના કેપ્ટન મનપ્રીત સિંહે પાકિસ્તાની કેપ્ટન સાથે ટ્રોફી શેર કરી હતી. બંને ટીમના ખેલાડીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધાનો કાંસ્યચંદ્રક મલેશિયાએ જીત્યો છે. રાઉન્ડ-રોબીન લીગ તબક્કામાં ભારતે પાકિસ્તાનને 3-1થી હરાવ્યું હતું. ભારત 2017માં ચેમ્પિયન બન્યું હતું અને 2012માં રનર્સ-અપ રહ્યું હતું. પાકિસ્તાન 2012, 2013માં વિજેતા બન્યું હતું અને 2011, 2016માં રનર્સ-અપ રહ્યું હતું.