કોહલી તો તેંડુલકર કરતાંય ફાસ્ટ…

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 24 ઓક્ટોબર, બુધવારે વિશાખાપટનમમાં બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં રમતી વખતે આ ફોર્મેટની ક્રિકેટમાં નવો વિક્રમ સ્થાપ્યો છે. એણે સૌથી ઝડપે 10,000 રન પૂરા કરીને વિક્રમપોથીમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે. એણે 205 દાવમાં 10,000 રન પૂરા કર્યા છે. આ પહેલાં આ રેકોર્ડ પર સચીન તેંડુલકરનું નામ હતું. ભૂતપૂર્વ ક્રિકેટર તેંડુલકરે 259 દાવમાં 10,000 રન પૂરા કર્યા હતા. આમ, કોહલીએ 54 દાવ ઓછા રમીને આ સિદ્ધિ હાંસલ કરી છે. વન-ડે ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરનાર કોહલી પાંચમો ભારતીય અને વિશ્વમાં 13મો બેટ્સમેન બન્યો છે. કોહલી અને તેંડુલકર (18,426) ઉપરાંત અન્ય ભારતીય બેટ્સમેનો છે – સૌરવ ગાંગુલી (11,363), રાહુલ દ્રવિડ (10,889), મહેન્દ્ર સિંહ ધોની. પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો 10,000 રન બનાવી ચૂક્યા છે.