વરસાદને કારણે ભારત-ઓસ્ટ્રેલિયા બીજી T20I મેચ રદ…

મેલબર્નમાં વરસાદ પડવાને કારણે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં 23 નવેમ્બર, શુક્રવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચને રદ કરી દેવામાં આવી હતી. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 7 વિકેટે 132 રન કર્યા હતા ત્યારે વરસાદ તૂટી પડ્યો હતો. અમ્પાયરોએ ડકવર્થ-લૂઈસ મેથડ અનુસાર ભારતને બે વાર નવો ટાર્ગેટ આપ્યો હતો, પણ વરસાદ અટક્યો નહોતો અને મેચ ફરી શરૂ કરી શકાઈ નહોતી. છેવટે અમ્પાયરોએ મેચને પડતી મૂકી દીધી હતી. ત્રણ-મેચોની સીરિઝમાં ઓસ્ટ્રેલિયા પહેલી મેચ જીતીને 1-0થી આગળ છે. ત્રીજી અને સીરિઝની આખરી મેચ 25 નવેમ્બરે સિડનીમાં રમાશે. ઓસ્ટ્રેલિયાના 132 રનના સ્કોરમાં બેન મેકડરમોટ્ટ 32 રન સાથે એની ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. ભારતના ભૂવનેશ્વર કુમાર, ખલીલ એહમદે વ્યક્તિગત બે વિકેટ લીધી હતી જ્યારે જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને કૃણાલ પંડ્યાએ એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

અમ્પાયરો સાથે મસલત કરતો કોહલી