બ્રિસ્બેન T20Iમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવી ગયું…

ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો હાર સાથે આરંભ થયો છે. 21 નવેમ્બર, બુધવારે બ્રિસ્બેનના ગબ્બા સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4-રનથી પરાજય આપ્યો હતો. ત્રણ મેચોની સીરિઝમાં ઓસ્ટ્રેલિયા હવે 1-0થી આગળ છે. બીજી મેચ 23 નવેમ્બરે મેલબર્નમાં રમાશે. વરસાદના વિઘ્નને કારણે ટીમદીઠ 20-ઓવરવાળી મેચને 17-ઓવરની કરી દેવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં 4 વિકેટે 158 રન કર્યા હતા. ભારતને 17 ઓવરમાં 174 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે 17 ઓવરમાં 7 વિકેટે 169 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનીસે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. બેટિંગમાં અણનમ 33 રન કર્યા બાદ બોલિંગમાં એણે, મેચની આખરી ઓવરમાં બે વિકેટ લીધી હતી. જોકે ઓસ્ટ્રેલિયાના લેગસ્પિનર એડમ ઝમ્પાને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો જેણે લોકેશ રાહુલ અને કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. ભારતના દાવમાં શિખર ધવન 76 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો.