GalleryEvents મુંબઈમાં ખાદીના રાષ્ટ્રીય ધ્વજ તૈયાર કરતા કામદારો… August 9, 2020 ભારત દેશ આવતી 15 ઓગસ્ટે પોતાનો 74મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવશે. એ માટે મુંબઈના બોરીવલી (વેસ્ટ) ઉપનગરના કોરા કેન્દ્ર સ્થિત ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રમાં કામદારો ખાદીનાં રાષ્ટ્રીય ધ્વજ – તિરંગો બનાવવામાં વ્યસ્ત છે. રાષ્ટ્રધ્વજ એ દેશના સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાનું પ્રતીક ગણાય છે. રાષ્ટ્રીય કે રાજકીય પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય તો એ રેશમી હાથવણાટની ખાદીના કાપડનો જ બનાવેલો હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે ગમે તે વ્યક્તિને ખાદીનો તિરંગો બનાવવાની પરવાનગી હોતી નથી. આવા રાષ્ટ્રધ્વજ બનાવવા અને સપ્લાય કરવાનો અધિકાર આખા દેશમાં માત્ર કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘને આપવામાં આવ્યો છે. (તસવીરોઃ દીપક ધુરી) ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો 1947માં આજના દિવસે બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યો હતો. 22 જુલાઈ 1947ના બંધારણ સભાની બેઠકમાં તેને સ્વીકાર્યા બાદ 15 ઓગસ્ટ 1947ને દિવસે તે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ બની ગયો. રાષ્ટ્રધ્વજ બનાવવામાં બંધારણના એક પણ નિયમનો ભંગ ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે. નિયમો મુજબ રાષ્ટ્રધ્વજ ધોવાય નહીં, એના પર ઇસ્ત્રી ફેરવાય નહીં. સમય જતાં પૉલિયેસ્ટર અને કૉટન કાપડમાં પણ રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવે છે. એને લીધે જ તિરંગો સામાન્ય માનવીઓ સુધી પહોંચી શક્યો છે. તિરંગામાં કેસરી રંગ અથવા ભગવો રંગ એ ત્યાગ અને સમર્પણની ભાવના દર્શાવતો રંગ છે. દેશના નેતાઓ દેશના વિકાસ માટે પોતાને સમર્પિત કરી દે એ હેતુથી આપણા ધ્વજમાં કેસરી રંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. સફેદ રંગ પ્રકાશ અને શાંતિના પ્રતિકના રૂપમાં લેવામાં આવ્યો છે. જ્યારે લીલો કંદ પ્રકૃતિનો સંબંધ અને સમૃદ્ધિને દર્શાવે છે. ધ્વજની વચ્ચે સ્થિત અશોક ચક્ર ધર્મના 24 નિયમોની યાદ અપાવે છે. રાષ્ટ્રધ્વજની ડિઝાઇન મદ્રાસી સદ્દગૃહસ્થ પિંગલી વેંકૈયાએ બનાવી હતી. એમણે મહાત્મા ગાંધીની સલાહ લીધી હતી અને ગાંધીજીએ તેમને ધ્વજની વચ્ચે અશોક ચક્ર રાખવાની સલાહ આપી હતી, જે સંપૂર્ણ ભારતને એક સૂત્રમાં બાંધવાનો સંકેત બની શકે. રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું એ ફોજદારી ગુનો છે. તેમાં દંડ અને જેલ સજાની જોગવાઈ છે.