મુંબઇ હુમલાના શહીદો માટે શ્રદ્ધાંજલિ સાઇકલરાઇડ

દમણ– 26 નવેમ્બર 2008માં મુંબઇ હૂમલામાં માર્યા ગયેલા શહીદ જવાનો-નાગરિકોને શ્રદ્ધાજંલિ આપવા દિલ્હીથી નીકળેલી બીએસએફ જવાનોની સાયકલ રેલી ગુરુવારે દમણ પહોંચી હતી. દમણમાં શાળાની વિદ્યાર્થિનીઓ, તેમ જ સ્થાનિકો કુમકુમ તિલક કરી ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું.  દમણથી તમામ 30 સાયક્લિસ્ટો પાલઘર થઇ મુંબઇમાં “ગેટ વે ઓફ ઇન્ડિયા” ખાતે 26મી નવેમ્બરે શહીદ જવાનોને સલામી આપી પોતાની 1534 કિલોમીટરની દિલ્હી “ઇન્ડિયા ગેટ” ટૂ “ગેટ વે ઓફ ઇન્ડિયા”ની સાયકલ રાઇડ પુરી કરશે. દિલ્હીથી રાજસ્થાન થઇ ગુજરાતમાં મોડાસા, વડોદરા, ભરૂચથી દમણ સહિતના સ્થળોએ પડાવ સાથે નીકળેલા જવાનો સાયકલ રેલીની સાથે લોકોમાં દેશભાવના અને શહીદો પ્રત્યે લોકોમાં સન્માન વધે તે માટે 26/11ના થયેલા હુમલાની જાણકારી પણ આપી હતી. દેશના જવાનો માતૃભૂમિના કાજે ગમે તેવી વિકટ પરિસ્થિતિનો પણ સામનો કરી શકે છે તેનો અહેસાસ પણ લોકોને કરાવ્યો હતો. આ સમગ્ર રેલીનું આયોજન આદિત્ય મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. શહીદ દિન રેલી 26મી એ “ગેટ વે ઓફ ઇન્ડિયા” ખાતે પૂર્ણ થશે જ્યાં સેનાના જવાનો સહિત નાગરિકો દ્વારા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાશે.
2008માં 26મી નવેમ્બરે પાકિસ્તાની આતંકીઓએ મુંબઇની તાજ હોટેલ, ઓબેરોઇ નરિમાન પોઇન્ટ, શિવાજી ટર્મિનલ પર આતંકવાદી હુમલો કર્યો હતો. આ હુમલામાં 168 લોકો મોતને ભેટ્યા હતાં અને 308 જેટલા લોકો ઘાયલ થયા હતા. હુમલામાં એટીએસના પ્રમુખ હેમંત કરકરે, કમાન્ડો સંદીપ ઉન્નીક્રિષ્ના, એન્કાઉટર સ્પેશિયાલિસ્ટ વિજય સાળસકર, શશાંક શિંદે અને એસીપી અશોક કામટેએ બહાદુરીથી આતંકવાદીઓનો પ્રતિકાર કરતી વેળાએ શહીદી વહોરી લીધી હતી. જેમની યાદમાં આ દિવસને શહીદ દિન તરીકે જાહેર કરાયો છે અને આ દિવસે તમામ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવે છે.