દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં NCPA સ્થિત દિલીપ પિરામલ આર્ટે ગેલેરી ખાતે એક અનોખું પ્રદર્શન યોજાયું છે. શહેરના પ્રચારમાધ્યમોના કેટલાક નામાંકિત ફોટોજર્નાલિસ્ટ્સ દ્વારા મુંબઈમાં છેલ્લા અનેક વર્ષોમાં વરસાદની મોસમ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ભારે તકલીફ વેઠીને, કઠિન-પડકારજનક સંજોગોમાં ખેંચવામાં આવેલી લગભગ 100 જેટલી શ્રેષ્ઠતમ તસવીરોને આ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટકે પાડેલી એક તસવીરનો પણ આ પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉક્ત તસવીર મૌલિકભાઈએ એક વહેલી સવારે પાડી હતી વિલે પારલે (વેસ્ટ)ના જુહૂ વિસ્તારમાં. આ તસવીરમાં જોઈ શકાય છે કે, ધોધમાર વરસાદને કારણે રસ્તો જળબંબાકાર થઈ ગયો હોવા છતાં એક દૂધવાળો તેની સેવા બજાવવા રાબેતા મુજબ નીકળ્યો છે અને તેની મોટરબાઈકને પાણી વચ્ચેથી પસાર કરાવી રહ્યો છે. એક હાથે એણે બાઈકનું હેન્ડલ પકડ્યું છે અને બીજા હાથે એ પોતાનો મોબાઈલ ફોન બ્રાઉઝ કરી રહ્યો છે… ભારે હિંમતબાજ…! ઉલ્લેખનીય છે કે મૌલિકભાઈ એક અચ્છા ફોટોગ્રાફર પણ છે અને તેમની ફોટોગ્રાફી કળા પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવી છે. એમણે મુંબઈના સ્થળોએ ફરતાં ફરતાં પાડેલી ઉત્કૃષ્ટ તસવીરોની કોફી ટેબલ બુક ‘લાઈફ ઓન જુહૂ બીચ’નું 2019માં મુંબઈમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
આ ફોટો એક્ઝિબિશન 23 જુલાઈ સુધી ચાલશે. પ્રદર્શન જોવા માટેનો સમય છેઃ બપોરે 12થી રાતે 8 વાગ્યા સુધીનો. આ પ્રદર્શન ઉક્ત ગેલેરીના ક્યૂરેટર અને ભૂતપૂર્વ ફોટોજર્નાલિસ્ટ મુકેશ પારપિયાની દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું શિર્ષક છે ‘મુંબઈ મોન્સૂન બીયોન્ડ 24×7’. આ પ્રદર્શનમાં સામેલ કરવામાં આવેલી તસવીરો સાથે તસવીરકારનું નામ છે. ઉક્ત તસવીર ફોટોગ્રાફર ધર્મેન્દ્ર કાનાણી (DNA)ની છે.