GalleryEvents ઘૂસણખોરી, હુમલોઃ સંસદભવન ફરતે સુરક્ષા બંદોબસ્ત કડક બનાવાયો December 13, 2023 13 ડિસેમ્બર, બુધવારની બપોરે બે અજાણ્યા શખ્સે સંસદભવનના લોકસભા ગૃહમાં મુલાકાતીઓની ગેલેરીમાંથી કૂદીને સંસદસભ્યો જ્યાં બેસે છે તે ભાગમાં ઘૂસી આવી, પીળા રંગનો ધૂમાડો ફેલાવતા ગેસ કેનિસ્ટર્સ છોડ્યા બાદ સંસદભવનમાં તથા તેની બહારના વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત વધારે કડક બનાવી દેવામાં આવ્યો છે. સાગર શર્મા અને મનોરંજન ડી. નામના બે શખ્સ મુલાકાતીઓના કાયદેસર પાસ સાથે સંસદભવનમાં પ્રવેશ્યા હતા અને હુમલો કર્યો હતો. હુમલાની ઘટના બાદ મુલાકાતીઓને સંસદભવનની અંદર પ્રવેશ આપવાનું સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. કાયદેસર મુલાકાતી પાસ ધરાવનાર લોકોને પણ રિસેપ્શન એરિયામાંથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા. આ પાસ સામાન્ય રીતે બે કલાકના સમય માટે આપવામાં આવે છે. મુલાકાતીઓ ખાસ બનાવાયેલી ગેલેરીમાં બેસીને સંસદની કાર્યવાહી નિહાળી શકે છે. દિલ્હી પોલીસના ફોરેન્સિક નિષ્ણાતો સંસદભવન ઈમારતમાં સુરક્ષા વ્યવસ્થામાં મોટા ભંગની ઘટના બાદ નમૂના એકત્ર કરી રહ્યાં છે. લોકસભા ગૃહમાં અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો તે ઘટનાની તસવીર સંસદસભ્યોએ જ ઘૂસણખોરોને પકડીને સુરક્ષાકર્મીઓને હવાલે કરી દીધા હતા.