આર.સી.ફળદુ અને પ્રદીપસિંહ જાડેજા સરદાર સ્ટેચ્યૂના પ્રચારમાં…

આર.સી ફળદુએ આસામના રાજ્યપાલ અને મુખ્યપ્રધાનને રૂબરૂમાં મળીને આમંત્રણ પાઠવીને સરદાર સાહેબના જીવન-કવન વિચારો તેમજ કાર્યશૈલીની વિસ્તૃત ચર્ચા કરી હતી તથા ગુજરાતમાં નિર્માણ પામેલ આ ઐતિહાસિક સ્મારકની વિસ્તૃત વિગતો આપી હતી. ત્યારબાદ યોજાયેલ પત્રકાર પરિષદમાં ફળદુએ કહ્યું કે, વિશ્વની સૌથી  ઉંચી સરદાર પટેલની પ્રતિમા વૈશ્વિક સ્તરે એકતા-અખંડિતતા અને ભાઈચારાનો સંદેશો આપતી રહેશે. તેમણે આ સ્મારકની મુલાકાત માટે આમંત્રણ આપીને આસામમાં વસતા ગુજરાતીઓ સહિત આસામના લોકો પણ વધુ મુલાકાત લે તે માટે આહૃવાન કર્યુ હતું.

વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ગુજરાતના નર્મદા પરિયોજના નજીક સાધુ બેટ ખાતે નિર્માણ થઇ છે. જેનું ૩૧મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રાર્પણ કરવાના છે. આ સ્ટેચ્યુના નિર્માણમાં દેશના તમામ રાજ્યોની માટી, જળ અને લોખંડનો ઉપયોગ થયો છે ત્યારે ઐતિહાસિક વેળાએ વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનને રૂબરૂ મળીને આ ઐતિહાસિક પ્રતિમાની મુલાકાત લેવા અને આ ઐતિહાસિક અવસરમાં સહભાગી થવાં રાજ્ય સરકાર વતી આમંત્રણ આપ્યું હતું.