રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, જેઓ ભારતીય સંરક્ષણ દળોના સુપ્રીમ કમાન્ડર છે, એમણે 13 ફેબ્રુઆરી, ગુરુવારે લોનાવલામાં આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌકાદળની પ્રશિક્ષણ સંસ્થા 'INS શિવાજી'ને 'પ્રેસિડન્ટ કલર'થી સમ્માનિત કરી હતી. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે કહ્યું કે 'INS શિવાજી' સંસ્થાએ આટલા વર્ષોમાં દેશ માટે સમર્પિત કરેલી શાનદાર સેવા બદલ અને નૌકાદળમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ દેશ એને સલામ કરે છે.
આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંગ કોશિયારી, નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહ, વાઈસ-એડમિરલ અને ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, સધર્ન નેવલ કમાન્ડ એ.કે. ચાવલા તથા સંરક્ષણ દળના અન્ય વરિષ્ટ અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ભારતીય નૌકાદળના 130 અધિકારીઓ અને 630 નૌસૈનિકોએ રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને પરંપરાગત પરેડ રજૂ કરી હતી.