પીએમ મોદીના હસ્તે ગોવા, નાગપુરમાં વિકાસયોજનાઓનું લોકાર્પણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ડિસેમ્બર, રવિવારે ગોવામાં મોપા શહેરમાં સ્વ. કેન્દ્રીય પ્રધાન મનોહર પરિકરની સ્મૃતિમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. આ એરપોર્ટને મનોહર પરિકરનું જ નામ આપવામાં આવ્યું છે. અત્યાધુનિક ટેક્નોલોજી, સુવિધાઓથી સજ્જ આ એરપોર્ટ શરૂ થવાથી ગોવામાં પર્યટન ઉદ્યોગને બળ પ્રાપ્ત થશે તેમજ અન્ય શહેરો સાથેની કનેક્ટિવિટીમાં સુધારો આવશે. આ એરપોર્ટનો શિલાન્યાસ 2016માં પીએમ મોદી દ્વારા જ કરવામાં આવ્યો હતો. ગોવામાં આ બીજું ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. પહેલું ડાબોલિમ છે.

એ પહેલાં, વડા પ્રધાન મોદીએ મહારાષ્ટ્રના નાગપુરમાં ‘હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ’ના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું હતું. મહામાર્ગનો આ પટ્ટો 525 કિલોમીટર લાંબો છે, જે નાગપુર શહેર અને એહમદનગરસ્થિત યાત્રાધામ શિર્ડીને જોડે છે. મહામાર્ગ કુલ 701 કિ.મી. લાંબો છે. તે રૂ. 55,000 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ સમૃદ્ધિ મહામાર્ગ નાગપુર અને મુંબઈને જોડશે. દેશમાં આ સૌથી લાંબા એક્સપ્રેસવેમાંનો એક બનશે. આ મહામાર્ગ મહારાષ્ટ્રના 10 જિલ્લાઓમાંથી પસાર થશે.

તે પહેલાં, પીએમ મોદીએ નાગપુર મેટ્રો રેલ યોજનાના પ્રથમ તબક્કાનું પણ ઉદઘાટન કર્યું હતું અને ટિકિટ ખરીદીને મેટ્રો ટ્રેનમાં સફર પણ કરી હતી. એમણે ફ્રીડમ પાર્ક સ્ટેશનથી ખાપરી સુધી સફર કરી હતી. કોચમાં એમણે સ્ટાર્ટ-અપ ક્ષેત્રના અમુક વિદ્યાર્થીઓ તથા સામાન્ય નાગરિકો સાથે સફર કરી હતી અને એમની સાથે વાતચીત પણ કરી હતી. એમણે આ રેલવે પ્રોજેક્ટના બીજા તબક્કાનું ભૂમિપૂજન કર્યું હતું. આ યોજના રૂ. 6,700 કરોડના ખર્ચવાળી છે.