મુંબઈગરાંઓનાં સ્વાસ્થ્ય લાભ માટે મુંબઈ પોલીસની અનોખી પહેલ ‘સન્ડે સ્ટ્રીટ’

મુંબઈનાં લોકો રવિવારની રજાના દિવસની સવારના ચાર કલાક દરમિયાન એમનાં ઘરમાંથી બહાર નીકળે અને રસ્તા પર ઉતરીને એમને મનપસંદ રમતો રમે, સ્વાસ્થ્યવર્ધક અને મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લે – ટૂંકમાં રીલેક્સ થાય, એ માટે મુંબઈ પોલીસે એક અનોખી પહેલ શરૂ કરી છે – સન્ડે સ્ટ્રીટ. આ પહેલ અંતર્ગત 27 માર્ચ, રવિવારે મુંબઈના મરીન ડ્રાઈવ સહિત અનેક વિસ્તારોમાં સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ટ્રાફિક બંધ રાખવામાં આવ્યો હતો અને એ રસ્તાઓ પર માત્ર સ્થાનિક નાગરિકોને જ એમની પ્રવૃત્તિઓ કરવા દેવામાં આવી હતી. એ દરમિયાન પોલીસોનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સન્ડે સ્ટ્રીટ કલાકો સમય દરમિયાન કોઈક યોગાસન કરતાં હતાં તો કોઈ ગ્રુપ બનાવીને બેડમિન્ટન રમતાં હતાં, કોઈક સાઈક્લિંગની મજા માણતું હતું તો કોઈક સ્કેટિંગની. કેટલાંક લોકો ચાલવાનો આનંદ માણતાં હતાં તો કોઈક જોગિંગનો. દોરડા કૂદવાની કસરત પણ કરતા લોકો જોવા મળ્યા હતા. કોઈક મરીન ડ્રાઈવની પાળ પર બેસીને મસ્તીભરી પળો પણ માણતાં હતાં. અમુક લોકો ગીત ગાતાં હતાં તો, અમુક માર્શલ આર્ટ પરફોર્મ કરતાં હતાં.

આજે મુંબઈમાં મરીન ડ્રાઈવ ઉપરાંત ડોરાભાઈ ટાટા રોડ – નરીમાન પોઈન્ટ ચર્ચગેટ, કાર્ટર રોડ – બાન્દ્રા વેસ્ટ, મિલિંદ સ્પેસ રોડ – ગોરેગાંવ, લોખંડવાલા રોડ – અંધેરી વેસ્ટ, તાન્સા પાઈપ રોડ – મુલુંડ, ઈસ્ટર્ન એક્સપ્રેસવે – વિક્રોલી.

મુંબઈ પોલીસની આ પહેલને પહેલા જ દિવસે બહુ જ સરસ પ્રતિસાદ મળ્યો હતો. ઘણાં લોકો પરિવારજનો અને મિત્રો સાથે રસ્તા પર ઉતર્યાં હતાં. બાળકો પણ મોટી સંખ્યામાં પ્રવૃત્તિઓનો આનંદ માણતાં જોવા મળ્યાં હતાં.

મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ સન્ડે સ્ટ્રીટ પહેલને પ્રતિસાદ આપવા બદલ મુંબઈનાં નાગરિકોનો આભાર માન્યો છે. એમણે પોતે પણ કેટલાક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

(તસવીરોઃ દીપક ધુરી)