GalleryEvents ચોમાસાના વરસાદમાં ભીંજાતું મુંબઈઃ શહેરના નામાંકિત ફોટોજર્નાલિસ્ટ્સે પાડેલી ઉત્કૃષ્ટ તસવીરોનું એક્ઝિબિશન July 7, 2023 મુંબઈ અને ચોમાસાની મોસમ અને તેના ધોધમાર વરસાદ વચ્ચે ખટમીઠો સંબંધ રહ્યો છે. દર વર્ષે જૂન-સપ્ટેમ્બરના મહિનાઓમાં નૈઋત્યનું ચોમાસું આ મહાનગરમાં 100થી પણ વધારે ઈંચ વરસાદ ખાબકી જાય છે. આ સંબંધ-સમીકરણની ઉજવણી સ્વરૂપ શહેરમાં એક અનોખું તસવીર-પ્રદર્શન યોજવામાં આવ્યું છે. શહેરના પ્રચારમાધ્યમોના કેટલાક નામાંકિત ફોટોજર્નાલિસ્ટ્સ દ્વારા મુંબઈમાં છેલ્લા અનેક વર્ષોમાં વરસાદની મોસમ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ભારે તકલીફ વેઠીને, કઠિન-પડકારજનક સંજોગોમાં ખેંચવામાં આવેલી લગભગ 100 જેટલી શ્રેષ્ઠતમ તસવીરોને આ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આ પ્રદર્શન દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં NCPA સ્થિત દિલીપ પિરામલ આર્ટે ગેલેરી ખાતે 8 જુલાઈના શનિવારથી શરૂ થશે અને 23 જુલાઈ સુધી ચાલશે. પ્રદર્શન જોવા માટેનો સમય છેઃ બપોરે 12થી રાતે 8 વાગ્યા સુધીનો. આ પ્રદર્શન ઉક્ત ગેલેરીના ક્યૂરેટર અને ભૂતપૂર્વ ફોટોજર્નાલિસ્ટ મુકેશ પારપિયાની દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું શિર્ષક છે ‘મુંબઈ મોન્સૂન બીયોન્ડ 24×7’. પ્રદર્શનમાં મુંબઈના નિચાણવાળા ભાગોમાં ભરાતા પાણી, એને કારણે કામ-ધંધે જતાં નાગરિકોને નડતી હાડમારી, પૂરની સ્થિતિ વગેરે દ્રશ્યોની એક્સક્લુઝિવ તસવીરો જોવા મળશે. આ પ્રદર્શનમાં ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટકે પાડેલી એક તસવીરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉક્ત તસવીરમાં ડાબી બાજુની તસવીર મૌલિકભાઈ દ્વારા લેવામાં આવેલી છે. જુહૂ વિસ્તારમાં લીધેલી આ તસવીર કહે છેઃ ધોધમાર વરસાદને કારણે રસ્તો જળબંબાકાર થઈ ગયો હોવા છતાં વહેલી સવારે એક દૂધવાળો તેની સેવા બજાવવા રાબેતા મુજબ નીકળ્યો છે અને તેની મોટરબાઈકને પાણી વચ્ચેથી પસાર કરાવી રહ્યો છે. સાથોસાથ બીજા હાથમાં મોબાઈલ ફોન પણ બ્રાઉઝ કરી રહ્યો છે… ભારે હિંમતબાજ…! ઉલ્લેખનીય છે કે મૌલિકભાઈ એક અચ્છા ફોટોગ્રાફર પણ છે અને તેમની ફોટોગ્રાફી કળા પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવી છે. એમણે મુંબઈના સ્થળોએ ફરતાં ફરતાં પાડેલી ઉત્કૃષ્ટ તસવીરોની કોફી ટેબલ બુક ‘લાઈફ ઓન જુહૂ બીચ’નું 2019માં મુંબઈમાં વિમોચન કરવામાં આવ્યું હતું. મુકેશ પારપિયાનીએ કહ્યું છે કે, આ પ્રદર્શન ત્રણ દિગ્ગજ ફોટોજર્નાલિસ્ટ – વિવેક બેન્દ્રે, પ્રશાંત નાડકર અને મહેન્દ્ર પરીખને શ્રદ્ધાંજલિ રૂપે છે, જેઓ આ ફાની દુનિયાને છોડી ગયા છે. (તસવીરઃ દીપક ધુરી)