U20 મેયરલ સમિટ માટે વિશ્વભરના પ્રતિનિધિઓનું સ્વાગત; અમદાવાદનો શણગાર

ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને વિકાસની હરણફાળ ભરતું અમદાવાદ શહેર U20 મેયરલ સમિટના યજમાન બન્યા છે. અર્બન20 મેયરલ શિખર સંમેલનમાં દુનિયાભરના 57 શહેરો અને ભારતના 35 શહેરોનાં મેયર, નાયબ મેયર સહિત 90 જેટલાં પ્રતિનિધિઓ ઉપસ્થિત છે.

આ પ્રતિનિધિઓનાં ભવ્ય સ્વાગત માટે અમદાવાદ અને ગાંધીનગર, બંને શહેરને શણગારવામાં આવ્યા છે.

‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય, વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે U20 સમિટનાં પ્રતિનિધિઓએ મેયરલ સમિટ એક્ઝિક્યુટિવ ગ્રુપ મીટિંગ બાદ શહેરના જુદા જુદા સ્થળોની મુલાકાત પણ લીધી હતી.

ડેલીગેશને ગાંધીનગર અને હેરિટેજ સિટી અમદાવાદ શહેરના જે વિસ્તાર અને સ્થળોની મુલાકાત લીધી એ સ્થળોને શણગારવામાં આવ્યા છે.

ઠેરઠેર હોર્ડિંગ્સ અને બેનર્સ દ્વારા પ્રતિનિધિઓને આવકાર આપવામાં આવ્યો છે.

અમદાવાદના ઉસ્માનપુરા, પંચવટી, કોમર્સ છ રસ્તા, પુષ્પકુંજ જેવા વિસ્તારોમાં સ્કલ્પચર મુકવામાં આવ્યા છે. વિશાળ શિલ્પકૃતિઓ અમદાવાદીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. માર્ગો પરથી પસાર થતાં લોકો માટે શહેરનો આ નવો શણગાર કુતુહલ સર્જી રહ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)