મહારાષ્ટ્રને મળ્યું નવું શાસકઃ ‘મહારાષ્ટ્ર વિકાસ આઘાડી’…

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેના, આરપીઆઈ સહિતનું એનડીએ અને ત્યારબાદ કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું યુપીએ ગઠબંધન રાજ કરી ચૂક્યું છે. આ વખતે રાજ્યમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ, એમ 3 પાર્ટીનું નવું ગઠબંધન રચાયું છે, જેને 'મહારાષ્ટ્ર વિકાસ આઘાડી' નામ આપવામાં આવ્યું છે. આ ગઠબંધને 26 નવેંબર, મંગળવારે મુંબઈમાં યોજેલી તેની બેઠકમાં તેના નેતા-મુખ્ય પ્રધાન તરીકે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પસંદ કર્યા હતા, જેઓ 28 નવેંબરના ગુરુવારે સાંજે 6.40 વાગ્યે દાદરના શિવાજી પાર્ક મેદાન ખાતે શપથ ગ્રહણ કરશે.


બેઠકમાં મહાવિકાસ આઘાડીના એનસીપીના શરદ પવાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ બાળાસાહેબ થોરાત સહિત અનેક ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


ગયા મહિને યોજાઈ ગયેલી વિધાનસભાની ચૂંટણીમાં એકેય પક્ષને બહુમતી મળી નહોતી તેથી સરકારની રચના થઈ શકી નહોતી. આખરે મહાવિકાસ આઘાડીએ સરકાર રચવાનો દાવો કર્યો છે, જેનો રાજ્યપાલ ભગતસિંગ કોશિયારીએ સ્વીકાર કર્યો છે.


288-સીટની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 105, શિવસેનાએ 56, એનસીપીએ 54, કોંગ્રેસે 44 તથા અન્ય પક્ષોના તથા અપક્ષ ઉમેદવારોએ 28 સીટ જીતી છે.
















મહાવિકાસ આઘાડીના નેતા, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે વરણી થયા બાદ ઉદ્ધવ ઠાકરે એમના સદ્દગત પિતા બાલ ઠાકરેની તસવીરને પગે લાગ્યા.