GalleryEvents વીર જવાનો ‘ગન હિલ’ની સાહસયાત્રા પર July 31, 2023 ભારતીય સેનાના વીર જવાનો હાલ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના જિલ્લા કારગિલના દ્રાસ વિસ્તારની પર્વતમાળામાં આવેલા વ્યૂહાત્મક રીતે મહત્ત્વના શિખર ‘ગન હિલ’ની સાહસયાત્રા પર ગયા છે. 1999ની 20 જૂને ભારતીય સેનાના જવાનોએ ‘ઓપરેશન વિજય’ અંતર્ગત કારગિલ સેક્ટરમાંથી પાકિસ્તાની ઘૂસણખોર સૈનિકોને ખતમ કરી, ભગાડીને સર્વોચ્ચ પર્વતીય શિખર ‘પોઈન્ટ 5140’ પર ફરી કબજો જમાવી દીધો હતો. આ શિખરને ગયા વર્ષે ‘ગન હિલ’નું નવું નામ આપવામાં આવ્યું હતું. નામકરણની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સેનાના જવાનોની એક ટીમ આ શિખરની સાહસયાત્રા પર ગઈ છે. 31 જુલાઈ, સોમવારે તેમણે પડાવેલી આ છે સમૂહ તસવીર. આ સાહસયાત્રા ખેડીને ભારતીય વીર જવાનોએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર જીત મેળવનાર દેશના બહાદુર જવાનોની યશગાથા અને તેમણે આપેલા એમના જાનના બલિદાનની યાદ ફરી તાજી કરી છે. પાકિસ્તાની સૈનિકો સાથે કારગિલમાં 3 મહિના સુધી યુદ્ધ ચાલ્યું હતું. આખરે ભારતીય જવાનોએ પોઈન્ટ 5140 કબજે કરી લેતા પાકિસ્તાની સેનાનો પરાજય થયો હતો અને યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું. કપરા ચઢાણને પાર કરીને પોઈન્ટ 5140 પર કબજો લેવા માટે લેફ્ટેનન્ટ કર્નલ યોગેશકુમાર જોશીની આગેવાની હેઠળ 13 JAK રાઈફલ્સના જવાનોએ આક્રમણ કર્યું હતું. એમને આ મિશનમાં લેફ્ટેનન્ટ સંજીવસિંહ જામવાલના નેતૃત્ત્વવાળી બ્રેવો ટૂકડી અને લેફ્ટેનન્ટ વિક્રમ બત્રાની આગેવાની હેઠળની ડેલ્ટા ટૂકડીનો સાથ મળ્યો હતો. B અને D, બેઉ ટૂકડી 20 જૂન, 1999ના રોજ પોઈન્ટ 5140 નજીક પહોંચી ગઈ હતી. તે મિશનમાં વિક્રમ બત્રા ગંભીર રીતે ઘાયલ થયા હતા. અમુક દિવસ બાદ, એક અન્ય શિખર પોઈન્ટ 4875ને દુશ્મનોના હાથમાંથી મુક્ત કરાવવા જતાં બત્રા 7 જુલાઈ, 1999ના દિવસે દુશ્મન સૈનિકની ગોળીથી ઘાયલ થઈ શહિદ થયા હતા.