રિતિક રોશને લોન્ચ કરી લક્ઝરી મોટરબાઈક ‘હીરો કરિઝ્મા XMR’

હીરો મોટોકોર્પ કંપનીએ તેની નવી સુપરબાઈક બહાર પાડી છે, જેનું નામ છે ‘હીરો કરિઝ્મા XMR’. આ લક્ઝરી બાઈકનું 29 ઓગસ્ટ, મંગળવારે હરિયાણાના ગુરુગ્રામમાં મિડિયાકર્મીઓ સમક્ષ ઉદઘાટન કર્યું બોલીવુડ અભિનેતા રિતિક રોશને. એ પ્રસંગે હીરો મોટોકોર્પના સીઈઓ નિરંજન ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મોટરબાઈકની કિંમત છે રૂ. 1,72,900. કંપનીએ આ બાઈકને પીળા અને કાળા રંગોના કોમ્બિનેશનમાં લોન્ચ કરી છે.

સુઝૂકીની Gixxer SF 250, યામાહાની R15, બજાજની પલ્સર RS 200 ને ટક્કર આપવા માટે હીરો કંપનીએ પોતાની આ બાઈકને માર્કેટમાં ઉતારી છે.

આ બાઈકની વિશેષતા એ છે કે તેમાં સંપૂર્ણ એલઈડી ફીટિંગ છે. એના વિન્ડસ્ક્રીનની પાછળ અને સાઈડ પેનલ્સમાં એરોડાઈનેમિક્સ સાથે માઉન્ટ મિરર છે. આ બ્લૂટૂથની મદદથી સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ શકે છે. આમાં 210 સીસી લિક્વિડ કૂલ્ડ સિલિન્ડર એન્જિન છે. આમાં છ સ્પીડ ગીયરબોક્સ છે. બંને પૈડા પર ડિસ્ક બ્રેક છે.