GalleryEvents ચીને અરૂણાચલ પ્રદેશનો યુવક ભારતીય લશ્કરને સુપરત કર્યો January 27, 2022 ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના જવાનોએ અરૂણાચલ પ્રદેશ રાજ્યમાંથી ગૂમ થયાના 9 દિવસ બાદ સ્થાનિક સગીર વયનો છોકરો 27 જાન્યુઆરી, ગુરુવારે ભારતીય સેનાના જવાનોને સુપરત કર્યો હતો. મિરામ તારોન નામનો 19 વર્ષનો છોકરો ગઈ 18 જાન્યુઆરીથી લાપતા થયો હતો. તેને શોધીને ભારતને સોંપણી કરવાની પ્રક્રિયા પર કેન્દ્રીય કાયદા પ્રધાન કિરન રિજીજુએ ખાસ ધ્યાન આપ્યું હતું. તારોનને શોધવાનું કામ ત્વરાથી હાથ ધરવા બદલ અને તેને શોધી કાઢ્યા બાદ સલામત રીતે ભારતને સુપરત કરી દેવા બદલ રિજીજુએ ચીનના લશ્કરી સત્તાવાળાઓનો આભાર માન્યો છે. તારોન અરૂણાચલ પ્રદેશના અપર સિઆંગ જિલ્લાના જીડો ગામનો રહેવાસી છે. પીએલએના જવાનોએ ભારતીય પ્રદેશમાંથી તારોનનું અપહરણ કર્યું હોવાના અહેવાલ બાદ રિજીજુએ ચીની લશ્કર સાથે મામલો હાથ ધર્યો હતો.