જ્યારે મહેશ ભટ્ટે મનોજ બાજપેયીને કહ્યું હીરો જેવો નથી દેખાતો, તારું શું કરીશ હું?

મુંબઈ: દમદાર અભિનેતા મનોજ બાજપેયી આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતા તાજેતરમાં ‘સાઈલેંસ 2’,’કિલર સૂપ’માં જોવા મળ્યા હતાં. મનોજ બાજપેયી પહેલા ટેલિવિઝન શો પછી ફિલ્મ અને વેબ સીરિઝમાં પોતાનો દબદબો જમાવી રહ્યા છે. મનોજ બાજપેયી એક પછી એક સફળતાના શિખરો પાર કરી રહ્યાં છે. પરંતુ આ પહેલા તેમને ઘણી કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. મનોજ બાજપેયીને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એકવાર ફિલ્મમેકર મહેશ ભટ્ટે ત્યાં સુધી કહી દીધું હતું કે તે હીરો જેવા નથી લાગતા, તેમને ડાન્સ કરતાં પણ નથી આવડતું તો તેઓ તેમનું શું કરશે?

આ અંગે મનોજ બાજપેયીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. અતિકા ફારુકીને આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ કહ્યું હતું કે 90ના દાયકામાં શેખર કપૂરે તેમને મુંબઈ જવાની સલાહ આપી હતી.

જ્યારે તેઓ થિયેટર કરતા હતા ત્યારે શેખર કપૂરે તેમને કહ્યું હતું કે ‘રંગમંચ થઈ ગયું હવે, કાલે લગ્ન કરશે તો બાળકોનું ગુજરાન ચલાવવા પૈસા જોશે, માટે મુંબઈ ચાલ્યો જા.’

 

મનોજ બાજપેયીએ જણાવ્યું કે તે ડરી ગયા અને આગળના જીવનને સુધારવા માટે મુંબઈ આવી ગયા. એ સમયે તે પોતાને ફિટ નહોતા રાખી શકતાં.અભિનેતાએ જણાવ્યું કે એ સમયની જે સ્થિતિ હતી ત્યારે અમારા માટે કોઈ જગ્યા નહોતી.હું જે પણ સ્ટુડિયોમાં જતો હતો ત્યાં માત્ર સ્ટાર હોય અને શૂટિંગ થતું હોય.દર બીજા ફ્લોર પર ગીતનું શૂટિંગ ચાલતાં હતાં.

મનોજ બાજપેયીએ જણાવ્યું કે એ સમયે દરેક લોકો તેમને રિજેક્ટ કરી દેતા હતાં.જે પણ તેમની સામે જોતા તે કહેતા કે અમે તેનુ શું કરીશું. ભટ્ટ સાહેબે મારી સામે જોઈને કહ્યું હતું કે યાર તારું શું કરીશ હું? મને પણ લાગ્યું કે હકિકત છે કે તે મારું શું કરશે?

જોકે, અભિનેતાએ હાર ન માની અને તે સંઘર્ષ કરતા રહ્યા. બાદમાં તેમને ‘દ્રોહકાલ’માં એક નાનકડો રોલ મળ્યો જે માત્ર એક મિનિટનો હતો.પછી મનોજ બાજપેયીને શેખર કપૂરની ફિલ્મ ‘બૈંડિટ ક્વિન’માં કામ કરવાની તક મળી અને ત્યાર બાદ તેમના હાથમાં 1998માં આવી સત્યા ફિલ્મ.

સત્યા ફિલ્મથી મનોજ બાજપેયીને ઓળખ મળી. ફિલ્મમાં તેમણે ભીખુ માત્રેનો રોલ નિભાવ્યો હતો અને તેના માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. તેમજ આ પાત્ર માટે ફિલ્મફેર એવોર્ડ પણ હાંસિલ કર્યો હતો. આજે તેની ગણના ટોપ અભિનેતાઓમાં થાય છે. (તસવીરો: મનોજ બાજપેયી ઈન્સ્ટાગ્રામ)