સલમાને અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં ચરખા પર રેંટિયો કાંત્યો

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન તેની નવી રિલીઝ થયેલી એક્શન-થ્રિલર ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’ના પ્રચાર માટે 29 નવેમ્બર, સોમવારે અમદાવાદ આવ્યો હતો. એ સાબરમતી નદીના કાંઠે આવેલા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્થાપેલા સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમની મુલાકાતે પણ ગયો હતો. ત્યાં એણે ગાંધીજીને પ્રિય એવો ચરખો કેવી રીતે કામ કરે છે એની પૃચ્છા કરી હતી. આશ્રમવાસી એક બહેને તેને એ સમજાવ્યું હતું. તે પછી સલમાને જમીન પર બેસીને જાતે ચરખો ચલાવ્યો હતો અને રેંટિયો કાંતવાનો પ્રયાસ કર્યો હતો. તેણે આશ્રમની ગેસ્ટ બુકમાં પોતાના હસ્તાક્ષર સાથે વિશેષ સંદેશ પણ લખ્યો હતો. સલમાનની આ તસવીરો આજે ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. ‘અંતિમ’ ફિલ્મમાં સલમાન ખાન શીખ પોલીસ અધિકારી બન્યો છે જ્યારે એનો બનેવી આયુષ શર્મા ખલનાયક (ગેંગસ્ટર રાહુલ પાટીલ અથવા રાહુલ્યા)ના રોલમાં છે જ્યારે મહિમા મકવાણા મુખ્ય અભિનેત્રી તરીકે છે. મહેશ માંજરેકર દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ સલમા ખાને કર્યું છે અને તેની રજૂઆત સલમાન ખાન ફિલ્મ્સે કરી છે. ફિલ્મને દર્શકોએ વખાણી છે, પણ બોક્સ ઓફિસ પર જોઈએ એવી કમાણી કરી શકી નથી.

ચરખો એટલે એક યંત્ર, જેના વડે કપાસના રૂમાંથી બનાવેલ પૂણીને કાંતીને સૂતર તૈયાર કરી શકાય છે. ચરખાનો ઉપયોગ કુટિર ઉદ્યોગ સ્વરુપે ભારતમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. દેશની આઝાદીની ચળવળ વખતે ચરખો આર્થિક સ્વાવલંબનનું પ્રતીક બની ગયો હતો.