GalleryFashion & Entertainment માધુરી ફરી આવી રહી છે દર્શકોને મળવા… રિલીઝ કરાયું ‘મજા મા’ ફિલ્મનું ટ્રેલર September 22, 2022 પ્રાઈમ વીડિયોએ એની પહેલી ભારતીય એમેઝોન ઓરિજીનલ ફિલ્મ ‘મજા મા’નું ટ્રેલર 22 સપ્ટેમ્બર, ગુરુવારે મુંબઈમાં મીડિયાકર્મીઓ સમક્ષ લોન્ચ કર્યું. આ પારિવારિક મનોરંજક ફિલ્મમાં લોકપ્રિય બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતને પહેલી જ વાર એક ગુજરાતણની ભૂમિકામાં અને ગરબા ગાતી-નાચતી જોવા મળશે. આ ફિલ્મમાં માધુરી ઉપરાંત ગજરાજ રાવ, રિત્વિક ભૌમિક, બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, આનંદ તિવારી, અમ્રિતપાલસિંહ બિન્દ્રા, અપર્ણા પુરોહિત, મલ્હાર ઠાકર, રજિત કપૂર, સિમોન સિંહ, શીબા ચઢ્ઢા, નિનાદ કામત અને સુશાંત શ્રીરામ જેના અન્ય કલાકારો પણ છે. આ ફિલ્મ આવતી 6 ઓક્ટોબરે ભારત સહિત 240 દેશોમાં પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. આનંદ તિવારી દિગ્દર્શિત ફિલ્મમાં માધુરી દીક્ષિત બની છે નૃૃત્યાંગના – પલ્લવી પટેલ, જેણે એનાં દીકરાનાં લગ્નના નિર્ણયને સમર્થન આપવાનું હોય છે. આમ, માધુરી ફિલ્મમાં પહેલી જ વાર સાસુની ભૂમિકા ભજવશે. ફિલ્મમાં માધુરીનાં પુત્રનો રોલ કર્યો છે રિત્વિક ભૌમિકે. બરખાસિંહ બની છે માધુરીનાં દીકરાની ગર્લફ્રેન્ડ. રિત્વિક અને ધનાઢ્ય બિનનિવાસી ભારતીય પરિવારની બરખા લગ્ન કરવા તૈયાર થાય છે, પણ માધુરી અસમંજસ સ્થિતિમાં હોય છે. એ એનાં દીકરાને પૂછે છે કે, ‘શું છોકરીનાં મા-બાપ આ સગાઈ કરવા માટે તૈયાર છે?’ દીકરો હા પાડે છે તો માધુરી કહે છે, ‘અને ધારો કે હું એમને રીજેક્ટ કરી દઉં તો?’ સાંભળીને દીકરો ચકિત થઈ જાય છે. ટ્રેલરમાં પલ્લવી પટેલ (માધુરી દીક્ષિત)ના જીવનની ઝલક જોવા મળે છે – જે ખુશમિજાજ મહિલા છે અને તેના મધ્યમવર્ગીય પરિવાર અને સમાજનો આધાર છે. ફિલ્મના કેન્દ્રમાં પલ્લવીનું જીવન છે. જેમ જેમ ફિલ્મ આગળ વધે છે, તેમ તેમ એક પછી એક ઘટનાઓ ઘટે છે, જેમાં પલ્લવીએ પ્રેમથી બનાવેલી દુનિયા ધ્વસ્ત થતી જાય છે. પલ્લવીનાં પુત્રના આગામી સગાઈ પ્રસંગમાં વિઘ્ન ઊભું થાય છે. આ કસોટીનો સમય દરેક પાત્રોના સંબંધોની કસોટી છે, જે સમજણ, વિશ્વાસ અને એકબીજાને સ્વીકારવાની ભાવના પર આધારિત છે. આ અસાધારણ સ્થિત શું છે? પલ્લવી અને તેનો પરિવાર આ તોફાનનો સામનો કેવી રીતે કરશે? પરિવારના સભ્યો એકબીજાની વધારે નજીક આવશે કે પછી નવા સંબંધો તૂટી પડશે? વધારે જાણવા અનપેક્ષિત ઘટનાઓ અને વળાંકો ધરાવતી આ સંપૂર્ણ મનોરંજક ફિલ્મ જોવી પડે. ઓટીટી પર ‘ધ ફેમ ગેમ’ બાદ માધુરીની આ બીજી ફિલ્મ છે. મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં માધુરીએ કહ્યું હતું કે, “મને પ્રાઇમ વીડિયોની પ્રથમ ભારતીય એમેઝોન ઓરિજિનલ મૂવીનો ભાગ બનવાનો એક રોમાંચ છે. ‘મજા મા’ સાથે હું મારા પાત્રને લઈને અતિ રોમાંચિત છું. આ પાત્ર જટિલ લાક્ષણિકતાઓ ધરાવે છે. આ પ્રકારની ભૂમિકા અગાઉ મેં ક્યારેય ભજવી નહોતી. મેં પલ્લવી પટેલનું પાત્ર ભજવ્યું છે, જે એક માતા, એક પત્ની અને સમાજની ઉપયોગી સભ્ય તરીકે પ્રચૂર જવાબદાર સરળતાપૂર્વક અને સન્માન સાથે અદા કરે છે. એટલે એની ક્ષમતા, સમર્પણ અને દ્રઢતાને નજરઅંદાજ કરવી સરળ છે. પલ્લવી વિવિધ પ્રકારની લાગણીઓના ઉતારચડાવમાંથી પસાર થાય છે, જેની તેના જીવન પર અને તે જેને ચાહે છે એ લોકોના જીવન પર મજબૂત અસર કરી શકે છે.” ગજરાવ રાવે ફિલ્મમાં તેમના પાત્ર વિશે કહ્યું હતું કે, “આ ફિલ્મમાં મારું પાત્ર મધ્યમવર્ગીય પુરુષનું છે, જે યુવાન સંતાનોનો પિતા છે અને પ્રેમાળ પત્નીનો પતિ છે. જોકે તમે ફિલ્મ જોશો તેમ તેમ તમે પાત્રને એના જીવનમાં આવતા કેટલાંક રસપ્રદ વળાંકો, કેટલીક પડકારજનક સ્થિતિ, સંજોગો, જીવનના અનપેક્ષિત પ્રસંગોમાંથી રોમાંચક રીતે પસાર થતો જોશો.. આખી ટીમ – માધુરી દિક્ષિત, તમામ કલાકારો અને રચનાત્મકતા સાથે સંકળાયેલા લોકો સાથે કામ કરવાનું શ્રેષ્ઠ અનુભવ મળ્યો હતો. મને ખાતરી છે કે, દર્શકોને ફિલ્મ પસંદ પડશે.” રિત્વિક ભૌમિકે કહ્યું હતું કે, “મેં ફિલ્મમાં મમ્મીના લાડકા પુત્રની ભૂમિકા ભજવી છે. જ્યારે મમ્મી માધુરી દીક્ષિત જેવી જાજરમાન અને સુંદર હોય, ત્યારે કયો દીકરો લાડ ન કરી શકે. ફિલ્મમાં મારા પાત્રનું નામ તેજસ છે, જે ગંભીર છતાં મહત્વાકાંક્ષી યુવાન છે. હજુ પણ તે પોતાની જાતને શોધે છે, તેની મહત્વાકાંક્ષાઓ અને આંતરિક મૂલ્યને ચકાસી રહ્યો છે. મારા માટે આ ભૂમિકા બહુ વિશેષ છે, કારણ કે આ મારી પ્રથમ ફિલ્મ છે અને પ્રાઇમ વીડિયો પર મારું ત્રીજું કામ છે. ‘મજા મા’ના નિર્દેશક આનંદ તિવારી સાથે મેં ત્રીજા વાર કામ કર્યું છે. તેઓ અમારી અંદર રહેલી શ્રેષ્ઠ અભિનયને બહાર લાવે છે અને એ પણ સૌથી સ્વાભાવિક રીતે. હું ફિલ્મજગતના ઘણા પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરીને ખરેખર રોમાંચ અનુભવું છું. આ ફિલ્મમાં મને જીવન માટે યાદગાર અનુભવ મળ્યો છે, જે હંમેશા મારી સાથે રહેશે – સેટ પર એક ખુશ પરિવાર સાથે શ્રેષ્ઠ સમય પસાર કરવો.” બરખા સિંહે કહ્યું હતું કે, “ફિલ્મમાં ઇશાનું પાત્ર ભજવવામાં મને ખરેખર રોમાંચક અને આનંદદાયક અનુભવ મળ્યો છે. મારું પાત્ર શ્રેષ્ઠ સંતુલન ધરાવે છે – મારો ઉછેર રુઢિચુસ્ત એનઆરઆઈ માતાપિતાઓ દ્વારા થયો હોવા છતાં ઇશા આધુનિક અમેરિકન ખાસિયતો ધરાવે છે, તો સાથોસાથ ભારતીય સંસ્કારો પણ ધરાવે છે. ઇશા આત્મવિશ્વાસ અને ઉત્સાહથી સભર સ્વતંત્ર વિચારસરણી ધરાવતી મહિલા છે. ફિલ્મમાં આ પ્રકારના વિવિધ પ્રકારના પાત્રો છે, જેમાં દરેક કલાકારે તેમના પાત્રને આનંદ સરના સ્પષ્ટ વિઝન સાથે ન્યાય આપ્યો છે. આખી ટીમ, ખાસ કરીને માધુરી મેમ સાથે કામ કરવાનું અનુભવ રોમાંચક બની રહ્યો હતો. તેમની સાથે સ્ક્રીન પર દેખાવવું ખરેખર ગર્વની વાત છે.” સૃષ્ટિ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, “મનોરંજનના વિવિધ માધ્યમોમાં પોતાની ક્ષમતા અજમાવવી અને બહોળા માધ્યમોમાં દર્શકો સુધી પોતાનું કામ પહોંચાડવું એ દરેક કલાકારનું સ્વપ્ન હોય છે. મેં અગાઉ વિવિધ માધ્યમોમાં ઘણી ફિલ્મો અને સીરિઝમાં કામ કર્યું છે, પણ ‘મજા મા’ મૂવીમાં કામ કરવામાં વધુ રોમાંચ મળ્યો હતો. ફિલ્મમાં મેં તારાનું પાત્ર ભજવ્યું છે, જે મજબૂત, ઉત્સાહી અને પ્રગતિશીલ વિચારસરણી ધરાવતી યુવાન મહિલા છે. માધુરીજી અને ગજરાજજી સાથે કામ કરવું મારા માટે સન્માન અને ગર્વની વાત છે. રિત્વિક, બરખા તથા અન્ય કલાકારોએ અનુભવને વધારે યાદગાર બનાવ્યો છે. હું ફિલ્મ, એના સંગીત અને સ્ટોરી દર્શકો સુધી પહોંચે એ માટે આતુર છું.” ગજરાજ રાવ અને રિત્વિક ભૌમિક ફિલ્મ નિર્માતા અમ્રિતપાલસિંહ બિન્દ્રા અને દિગ્દર્શક આનંદ તિવારી (તસવીરો અને વીડિયોઃ દીપક ધુરી) https://chitralekha.com/chitralemag/wp-content/uploads/2022/09/WhatsApp-Video-2022-09-22-at-13.06.29.mp4 ‘મજા મા’નું ટ્રેલર જુઓ: