ખૂબસૂરત રેખાને ૬૪મા જન્મદિનની શુભેચ્છા…

‘ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હજારોં હૈં..’ સદાબહાર અભિનેત્રી રેખા આજે એમનો ૬૪મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. રેખા જેમિની ગણેશનનો જન્મ 10 ઓક્ટોબર, 1954માં ચેન્નાઈ (અગાઉના મદ્રાસ)માં થયો હતો. એમનું જન્મનું નામ ભાનુરેખા. રેખાને અભિનેત્રી બનવાની કોઈ ઈચ્છા નહોતી, પરંતુ ઘરપરિવારમાં આર્થિક તંગીને કારણે ફિલ્મોમાં પ્રવેશ કરવો પડ્યો હતો. રેખાનાં પિતા જેમિની ગણેશન તામિલ અભિનેતા હતા અને માતા પુષ્પાવલી ગૃહિણી હતાં. પિતાનાં પગલે ચાલીને રેખાએ ફિલ્મજગતમાં સફળ અભિનેત્રી તરીકે પોતાને સ્થાપિત કર્યાં. રેખાએ એમની 40 વર્ષ લાંબી કારકિર્દીમાં 180થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. 1970ના દાયકામાં એ પોતાને ટોચનાં અભિનેત્રી તરીકે સ્થાપિત કરવામાં સફળ બન્યાં હતાં. રેખા તામિલ, હિન્દી અને અંગ્રેજી ભાષા સરસ રીતે બોલે છે. હિન્દી સિનેમામાં રેખાની પહેલી ફિલ્મ હતી ‘સાવન ભાદોં’. રેખાએ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને બંનેએ દો અન્જાને, મુકદ્દર કા સિકંદર, સુહાગ, રામ બલરામ, મિસ્ટર નટવરલાલ, સિલસિલા જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. 1981માં રેખાની ‘ઉમરાવ જાન’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં કરેલા અભિનય બદલ રેખાને ફિલ્મફેર એવોર્ડ અને રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ‘પદ્મશ્રી’ રેખાની ઉલ્લેખનીય ફિલ્મો છેઃ એલાન, રામપુર કા લક્ષ્મણ, ધર્મા, કહાની કિસ્મત કી, નમક હરામ, ખૂન પસીના, ગંગા કી સૌગંધ, અગર તૂમ ન હોતે, ખૂન ભરી માંગ, ઘર, ખૂબસૂરત, બુલંદી, ઉમરાવ જાન, ફૂલ બને અંગારે, સુહાગ, લજ્જા, સુપર નાની વગેરે.