ઓસ્કર નોમિનેટેડ ‘છેલ્લો શૉ’ના સ્પેશિયલ શૉમાં દીપિકા, કિયારાની હાજરી

આગામી 95મા ઓસ્કર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની કેટેગરી માટે ભારત તરફથી સત્તાવાર નામાંકન મેળવનાર ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ (લાસ્ટ ફિલ્મ શૉ)ના સેલિબ્રિટી સ્ક્રીનિંગનું તેના નિર્માતાઓએ 12 ઓક્ટોબર, બુધવારે મુંબઈમાં આયોજન કર્યું હતું. એમાં દીપિકા પદુકોણ, કિયારા અડવાની, જાવેદ જાફરી, આદિત્ય રોય કપૂર, પ્રતિક બબ્બર, દિગ્દર્શક આશુતોષ ગોવારીકર, અપારશક્તિ ખુરાના સહિત બોલીવુડ હસ્તીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે ફિલ્મનાં દિગ્દર્શક પૅન નલિન (નલિન રમણીકલાલ પંડ્યા) અને નિર્માતાઓ – સિદ્ધાર્થ રોય કપૂર અને ધીર મોમાયા, ફિલ્મના મુખ્ય બાળ કલાકાર ભાવિન રબારી સહિતનાં કલાકારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ફિલ્મ ભારતમાં પસંદગીકૃત શહેરોમાં 14 ઓક્ટોબર, શુક્રવારથી રિલીઝ થવાની છે. ફિલ્મની વાર્તા અમરેલી જિલ્લાના એક ગામડાના 8-10 વર્ષની વયનાં પાંચેક બાળકોની આસપાસ ફરે છે. કેન્દ્રમાં છે સમય નામનો ટાબરિયો. રાજકોટના ‘ગૅલેક્સી’ થિયેટરમાં જીવનની પહેલી ફિલ્મ જોઈને સમયને ફિલ્મો જોવાનો ચસકો લાગે છે. એ ‘ગૅલેક્સી’ના પ્રોજેક્શનિસ્ટ સાથે એક વણલખ્યો કરાર કરે છેઃ ‘તમારે મને મફતમાં ફિલ્મ જોવા દેવાની, એના બદલામાં હું તમને રોજ જમવાનું ટિફિન પહોંચાડીશ.’ સ્વાદ-સિનેમાની આ દોસ્તી આગળ જતાં કેવોક વળાંક લે છે એ જોવા-જાણવા ફિલ્મ જોવી પડે. ફિલ્મમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રિચા મીના, દીપેન રાવલ અને પરેશ મહેતાએ અભિનય કર્યો છે. એકેડેમી એવોર્ડ્સ કાર્યક્રમ 2023ની 12 માર્ચે લોસ એન્જેલિસમાં યોજવામાં આવનાર છે. (તસવીરો અને વીડિયોઃ માનસ સોમપુરા)

નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર અને એમના અભિનેત્રી પત્ની વિદ્યા બાલન

દીપિકા પદુકોણ

કિયારા અડવાની

જાવેદ જાફરી

દિગ્દર્શક આશુતોષ ગોવારીકર એમના પત્ની સાથે