અયોધ્યામાં 6 લાખ દીવા પ્રગટાવી દિવાળી ઉજવાઈ…

ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ અને ભગવાન રામનાં જન્મસ્થળ અયોધ્યામાં 26 ઓક્ટોબર, શનિવારે દિવાળી પર્વની પૂર્વસંધ્યાએ સરયૂ નદીના કિનારે દીપોત્સવ કાર્યક્રમનું અનોખી રીતે આયોજન કરવામાં આવ્યું હતું. એ માટે અયોધ્યામાં માટીથી બનાવેલા 6 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમની આગેવાની રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લીધી હતી. સરયૂ નદીના કાંઠે 'રામ કી પૈડી' ઘાટ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. હજારો શ્રદ્ધાળુઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.


એક જ સ્થળે એક સાથે 6 લાખ માટીના દીવડા પ્રગટાવીને અયોધ્યાએ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે.


તમામ 6 લાખ દીવડા પ્રગટાવી દેવાયા બાદ કાર્યક્રમમાં હાજર ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ સંસ્થાના અધિકારીએ રાજ્ય સરકારને સંબંધિત સર્ટિફિકેટ સુપરત કર્યું હતું.


ચાર લાખ અને 10 હજાર માટીના દીવડા સરયૂ નદીના કાંઠે પ્રગટાવવામાં આવ્યા હતા જ્યારે બે લાખથી વધારે દીવડા શહેરના અન્ય ભાગોમાં પ્રગટાવવામાં આવ્યા હતા.


સમગ્ર રામ કી પૈડી ઘાટને ગુલાબી-પર્પલ રંગની રોશનીથી શણગારવામાં આવ્યો હતો.