મનાલીના જંગલમાં આ બાલારામ ‘વન મેન શો’ છે…

કુલુ મનાલી: જગતમાં એવા ઘણા એકલવીર છે કે, જેઓ પહાડો, સમુદ્રના ટાપુઓ, જંગલોમાં એકલા જ જીવન વીતાવે છે. નથી એમને કોઈની જરૂર કે, નથી કોઈ વાતનો ડર. આવા જ એક વ્યક્તિ છે મિસ્ટર બાલારામ…. તેઓ વર્ષોથી કુલુ-માનલીના પહાડી વિસ્તારોમાં પોતાનું એક નાનકડું ઝુંપડુ બાંધીને રહે છે. કુલુ જિલ્લામાં લિગાન અને શંગચર ગામ સંપુર્ણ ડુંગરાળ વિસ્તારમાં આવેલા છે. અને શિયાળા દરમ્યાન તો અહીં બે-બે, પાંચ-પાંચ ફૂટનો બરફ હોય છે. સામાન્ય પ્રવાસી ધોળા દિવસે પણ અહીંથી નીકળે તો ડર લાગે છે, પરંતુ બાલારામને તો ડર સાથે જ મૈત્રી થઈ ગઈ હોય તેમ ત્યાં જ જીવન વિતાવી રહ્યા છે.

 

પોતાના ઘર આસપાસની ફળિયા-વાડા જેવી જગ્યામાં શાકભાજી વાવ્યા છે. પોતાના રસોઈ-પાણીની વ્યવસ્થા જાતે જ કરી લીધી છે. પર્વતારોહણ માટે આ જંગલ વિસ્તારમાંથી નીકળવાનું થયું ત્યારે બાલારામજી સાથે મુલાકાત થઈ હતી. અચાનક જંગલ વિસ્તારમાં અડાબીડ વૃક્ષો-વેલાઓ વચ્ચે શાકભાજીનો વાડી વિસ્તાર જોવા મળતા કંઈક નવીન લાગ્યું અને અંદર તપાસ કરતાં તેમનો ભેટો થઈ ગયો હતો. મુલાકાત દરમ્યાન તેમણે કીધું કે, અહીં અજબની શાંતિનો અનુભવ થાય છે. કોઈપણ પ્રકારનો ડર લાગતો નથી.

જંગલી પ્રાણીઓ નુકસાન ન પહોંચાડે એટલે દેશી ઢબની જૂનીપાની એક બંદૂક સાથે રાખી છે. રખડપટ્ટી કરવાનો જ સમય હતો અને દિવસોની કોઈ મારામારી ન હતી એટલે તેમની સાથે જ દિવસ પસાર કર્યો હતો. બંદૂક જરૂર રાખતા હતા પરંતુ જોયું કે, વાંદરાથી માંડી રીંછ સુધીના કોઈપણ પ્રાણી ઉપર તેમની મારવાના હેતુથી ઉપયોગ કરતા ન હતા. માત્ર પોતાનું રક્ષણ થાય અને પ્રાણીઓને ડર પેદા થાય તેવા ‘જીવો અને જીવવા દો’ ના સિદ્ધાંત સાથે તેઓ જીવે છે.

જંગલમાં જરૂર રહે છે, પણ પોષાક એકદમ સામાન્ય સમાજ જેવો જાળવી રાખ્યો છે. માથા ઉપર કુલુ સ્ટાઈલની પહાડી ટોપી અને બંડીમાં ફરતા જોવાનો એક લ્હાવો છે. નહિતર સામાન્ય રીતે જંગલમાં કોઈ આ પ્રકારના ડ્રેસિંગમાં જોવા મળતું નથી. બંદૂક વિશે તોઓએ કીધું કે, દાદા-પરદાદા સમયની આ બંદૂક છે. 15 હજારમાં આ બંદૂક ખરીદી હોવાની દાદા વાત કરતા હતાં.

ક્યારેક કુલુ મનાલીના જંગલમાંથી નીકળવાનું થાય તો અલગારી મસ્તીમાં જિંદગી માણતા બાલારામજીને મળવાની મજા છે. આમ પણ વિશ્વમાં કેટલીય એવી હસ્તીઓ છે કે જે પહોડોની ટોચે ટેન્ટ બાંધીને રહે છે, રેલવેના જૂના ડબ્બામાં રહે છે, પડતર વિમાનમાં જીવન જીવે છે. તેમાં બાલારામનો એક વધારો નોંધાયો છે.

(જિજ્ઞેશ ઠાકર)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]