ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાની મહાઆરતી

ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં આઠમની રાત્રે દિવ્ય અને ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું. લગભગ 35,000 જેટલા લોકોએ હાથમાં દીવડા લઈને જગતજનની માં જગદંબાની આરતી ઉતારી હતી. ગાંધીનગર કલ્ચરલ ફોરમની પ્રતિવર્ષની પરંપરા પ્રમાણે એક ચોક્કસ પ્રકારના ફોર્મેશનમાં ઊભા રહીને લોકો મહાઆરતી ઉતારે છે, આ વર્ષે શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ- અર્ધનારીશ્વરના ફોર્મેશનમાં લોકોએ ઊભા રહીને મહાઆરતી ઉતારી હતી. અદભુત અને અલૌકિક દ્રશ્ય સર્જાયું ત્યારે ઉપસ્થિત માનવમેદનીમાં ‘આહ’ અને ‘વાહ’ના ઉદગારો સરી પડ્યા હતા. ગાંધીનગરના સમદર્શન આશ્રમના પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજી, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, તેમના ધર્મપત્ની અને જાણીતા અભિનેત્રી રોમા માણેક, પ્રવાસન, દેવસ્થાન વ્યવસ્થાપન, ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, જીએસપીસીના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ કુમાર, નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટર રેમ્યા મોહન, કુટીર અને ગ્રામ ઉદ્યોગ કમિશનર અને સચિવ પ્રવીણકુમાર સોલંકી અને ગાંધીનગરના આગેવાનો, નાગરિકો, મહાનુભાવોએ પણ મહાઆરતીમાં ભાગ લીધો હતો.

વ્યક્તિગતથી લઈને વૈશ્વિકકક્ષા સુધી સૌના જીવનમાં સાયુજ્ય, એક્ય, સર્વસમાવેશિતા, સકારાત્મકતા અને સ્નેહસભરતા સ્થપાય એવા ઉદ્દેશ સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમે મહાઆરતીમાં શિવ અને શક્તિના સમન્વયનું આ સુંદર સ્વરૂપ કંડારવાનું નક્કી કર્યું હતું. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા ગ્રાઉન્ડમાં ઉપસ્થિત ખેલૈયાઓ અને પ્રેક્ષકો સહિત 35,000 જેટલા માનવમહેરામણે ઉત્સાહભેર ભાગ લઈને મહાઆરતીમાં અદભુત અને અલૌકિક વાતાવરણ સર્જ્યું હતું. મહાઆરતી પછી ઉપસ્થિત તમામ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહાએ મહાઆરતીને સફળ બનાવવા માટે ગાંધીનગરના નાગરિકોનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો.

શિવ અને શક્તિના સમન્વયનું અર્ધનારીશ્વર સ્વરૂપ સમગ્ર વિશ્વને સાયુજ્યની શીખ આપે છે. સૃષ્ટિનું કોઈ પણ વ્યક્તિત્વ કે અસ્તિત્વ સ્વતંત્ર નથી. એકમેક સાથે તાણાવાણાથી ગુથાયેલું આ સચરાચર જગત સૃષ્ટિકર્તાનું સુંદર સર્જન છે. પરમાત્મા અને પ્રકૃતિ, શિવ અને શક્તિના મેળાપના દર્શનમાત્રથી પુણ્યની ઉત્પત્તિ થાય છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણામાં મહાઆરતીમાં ભાગ લઈને આવી જ પુણ્યશાળી ક્ષણોની લોકોએ અનુભૂતિ કરી હતી.

શિવ અને શક્તિના સમન્વયનું અર્ધનારીશ્વર સ્વરૂપ સમગ્ર વિશ્વને સાયુજ્યની શીખ આપે છે. સૃષ્ટિનું કોઈ પણ વ્યક્તિત્વ કે અસ્તિત્વ સ્વતંત્ર નથી. એકમેક સાથે તાણાવાણાથી ગુથાયેલું આ સચરાચર જગત સૃષ્ટિકર્તાનું સુંદર સર્જન છે. પરમાત્મા અને પ્રકૃતિ, શિવ અને શક્તિના મેળાપના દર્શનમાત્રથી પુણ્યની ઉત્પત્તિ થાય છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણામાં મહાઆરતીમાં ભાગ લઈને આવી જ પુણ્યશાળી ક્ષણોની લોકોએ અનુભૂતિ કરી હતી.

આઠમા નોરતાની ઉજવણીના આરંભે ગાંધીનગરના પંચદેવ મંદિરના ધર્માધ્યક્ષ પરમ પૂજ્ય ફુલશંકર શાસ્ત્રીજીએ આરતી ઉતારી હતી.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ટપુભાઈ એટલે કે અભિનેતા ભવ્ય ગાંધીએ ગઈકાલે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણ્યા હતા. ઉપસ્થિત મેદનીએ ભવ્ય ગાંધીને હર્ષોલાસથી આવકાર્યા હતા.

આઠમા નોરતે ખેલૈયાઓની ભારે ભીડ જામી હતી. એકએકથી શ્રેષ્ઠ ખેલૈયાઓમાંથી ઝરણા ભાવસાર બેસ્ટ પર્ફોર્મન્સ-પ્રિન્સેસ બન્યા હતા જ્યારે ઉજ્જવલ દરજી બેસ્ટ પર્ફોર્મન્સ-પ્રિન્સ બન્યા હતા. આ બંને કેટેગરીમાં સોનલ નાયી અને નિરવદાન ગઢવી રનર્સ અપ રહ્યા હતા. ફેનીલ પટેલ અને નૈયા ચૌધરીની જોડી બેસ્ટ પેર તરીકે વિજેતા થઈ હતી. જ્યારે મનોજ સોલંકી અને જય પટેલની જોડી રનર્સ અપ રહી હતી. 35 વર્ષથી વધુ વયના ખેલાડીઓની કેટેગરીમાં બેસ્ટ ક્વીન તરીકે સરોજ લીમ્બાચીયા અને બેસ્ટ કિંગ તરીકે ધવલ ભાવસાર વિજેતા થયા હતા. આ કેટેગરીમાં જિજ્ઞાસા વ્યાસ અને નીરવ દવે રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસમાં કામાક્ષી રાવલ અને કેવલ ઠક્કર વિજેતા રહ્યા હતા. જ્યારે મીરા ચૌહાણ અને વીરભદ્રસિંહ રનર્સ અપ રહ્યા હતા.

બેસ્ટ ટીનેજર કેટેગરીમાં ઈશિકા પટેલ પ્રિન્સેસ થયા હતા જ્યારે રોહન પ્રજાપતિ પ્રિન્સ બન્યા હતા. આ કેટેગરીમાં નિરાલી રાવલ અને ધર્માયુ દવે રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ કીડ ગર્લ તરીકે ભક્તિ પટેલ અને બોયમાં દિવ્ય શર્મા વિજેતા થયા હતા. જ્યારે સિયા મુન્ગળ અને રીષભ શાહ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ ગર્લ તરીકે યાનવી સોલંકી અને બોયમાં હેનરીક શ્રીગોળ વિજેતા થયા હતા. આ કેટેગરીમાં વિહા વોરા અને કહાન છાયા રનર્સ અપ રહ્યા હતા.

ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં આઠમા નોરતે નિર્ણાયકો તરીકે બિજય શિવરામ, નિયતિબેન દવે, આશાબેન અડાલજા, ભાવનાબેન મેઘાણી અને જૈમીની કુલકર્ણીએ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી.