મહારાષ્ટ્ર: રેશનિંગમાં 100રૂ.માં મળશે રવો, ચણા-દાળ, સાકર, તેલ

મુંબઈઃ રાંધણગેસના સિલિન્ડરથી લઈને શાકભાજી સુધીની તમામ ચીજવસ્તુઓની કિંમત હાલ આસમાને પહોંચી ગઈ છે, લોકો પરેશાન છે ત્યારે મહારાષ્ટ્રમાં લોકોની, ખાસ કરીને ગરીબ વર્ગનાં લોકોની દિવાળી સારી જાય એટલા માટે રાજ્ય સરકાર તરફથી દિવાળી-2022 નિમિત્તે એમને ભેટ આપવામાં આવી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ભાજપની સંયુક્ત સરકારને નક્કી કર્યું છે કે આગામી દિવાળી તહેવાર માટે રાજ્યભરમાં રેશનકાર્ડ ધારકોને ચાર ખાદ્યપદાર્થનું પેકેજ રૂ. 100ની કિંમતે આપવામાં આવશે. આ ચાર ચીજ છે – રવો (સુજી) ચણા દાળ, સાકર અને પામ તેલ. આ ચારેય ચીજ એક-એક કિલો વજનમાં રૂ.100 રૂપિયામાં આપવામાં આવશે.

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં રેશન કાર્ડ ધરાવતા 1 કરોડ 70 લાખ પરિવારો અથવા સાત કરોડ જેટલા લોકો છે. એમને સરકારના આ નિર્ણયથી લાભ થશે. તેઓ આ ચાર-ચીજનું પેકેજ 100 રૂપિયામાં સરકાર સંચાલિત રેશનિંગની દુકાનોમાંથી ખરીદી શકશે. આ નિર્ણયને કારણે સરકારની તિજોરી પર આશરે રૂ. 500 કરોડનો બોજો આવશે.