મા નવદુર્ગાની ભક્તિનું પર્વ દેશભક્તિનું પર્વ પણ બની રહ્યું

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવલી નવરાત્રીમાં નવમા નોરતે હજ્જારો ખેલૈયાઓ અને પ્રેક્ષકોએ તિરંગા શૌર્ય મહાયાત્રા કાઢી હતી. રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજો અને કર્તવ્ય પાલનની પ્રતિબધ્ધતા સાથે ખેલૈયાઓએ રાષ્ટ્રધ્વજને માથે લઈને જીસીએફ ગ્રાઉન્ડ ફરતે 1551 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ ગૌરવભેર લહેરાવ્યો હતો. રાધે રાધે પરિવારના સહયોગથી યોજાયેલી તિરંગા શૌર્ય મહાયાત્રા ઉપસ્થિત માનવમેદની માટે અવિસ્મરણીય અનુભૂતિ બની રહી હતી.

ગાંધીનગર કલ્ચર ફોરમના નવરાત્રી મહોત્સવમાં છેલ્લા નવમા નોરતે મા નવદુર્ગાની ભક્તિનું પર્વ દેશભક્તિનું પર્વ પણ બની રહ્યું. નવરાત્રીના છેલ્લા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના જીસીએફ ગ્રાઉન્ડમાં રાધે રાધે પરિવારના સહયોગથી તિરંગા શૌર્ય મહાયાત્રાનું આયોજન કરાયું હતું. ગરબાના અંતે 1551 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે ગ્રાઉન્ડમાં ઉપસ્થિત સૌ ખેલૈયાઓએ તિરંગા શૌર્ય મહાયાત્રા કાઢી હતી. ખેલૈયાઓએ ઊંચા હાથે વિશાળ તિરંગાને આખા ગ્રાઉન્ડ ફરતે લહેરાવ્યો હતો. ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હજારો ખેલૈયાઓ સ્વયંભૂ રીતે તિરંગા શૌર્ય મહાયાત્રામાં જોડાયા હતા. ‘વંદે માતરમ’ના જયઘોષ અને ‘ભારતમાતાના જયનાદ’થી સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો રોમાંચ પ્રસરી ગયો હતો. ઉપસ્થિત હજ્જારો ખેલૈયાઓ અને લોકોએ રાષ્ટ્રધ્વજ માથે લઈને દેશ પ્રત્યેના પોતાના કર્તવ્ય અને ફરજોના પાલનની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહાએ ઉપસ્થિત મેદની સાથે ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા. રાધે રાધે પરિવારના તન્મયભાઈ પટેલ અને રાહુલભાઈ સુખડિયા તથા તેમની ટીમને સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના પ્રમુખ રુચિર ભટ્ટ, ગાંધીનગર જિલ્લાના સરકારી વકીલ હિતેશભાઈ રાવલ, ગાંધીનગરની મધુર ડેરીના ચેરમેન શંકરસિંહજી રાણા, પૂર્વ સનદી અધિકારી વી. એસ. ગઢવી અને અન્ય મહાનુભાવોએ નવમા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણ્યા હતા.

ગાંધીનગર કલ્ચર ફોરમની નવરાત્રીમાં છેલ્લા નોરતે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા દર્શના ગાંધી ઠક્કરે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. એકએકથી ચઢિયાતા, વૈવિધ્યસભર, પરંપરાગત ગરબા સાંભળીને ખેલૈયાઓની સાથોસાથ પ્રેક્ષકો પણ મંત્રમુગ્ધ થયા હતા. ગુજરાતના સુપ્રસિદ્ધ રિધમિસ્ટ રિશીન સરૈયા અને સહગાયક વિનોદ નાયી તથા કોરસના કલાકારોએ પણ ભારે જમાવટ કરી હતી.

નવમા નોરતે જીલ જોશી બેસ્ટ પર્ફોર્મન્સ-પ્રિન્સેસ બન્યા હતા જ્યારે બેસ્ટ પર્ફોર્મન્સ-પ્રિન્સ તરીકે હિતેન્દ્રસિંહ ઠાકુર વિજેતા થયા હતા. આ કેટેગરીમાં આયુષી શર્મા અને વિશાલ શ્રીમાળી રનર્સ અપ રહ્યા હતા. મિહિર કડિયા અને કાન્હી પટેલની જોડી બેસ્ટ પેર તરીકે વિજેતા થઈ હતી. જ્યારે ઉત્સવ કોષ્ટી અને તન્વી કોષ્ટીની જોડી રનર્સ અપ રહી હતી. 35 વર્ષથી વધુ વયના ખેલૈયાઓ માટેની કેટેગરીમાં સેજલ પરમાર બેસ્ટ ક્વીન તરીકે અને રૂપેશ પરીખ બેસ્ટ કિંગ તરીકે વિજેતા થયા હતા. આ કેટેગરીમાં નિશા ભાવસાર અને ડૉ. રાકેશ ભટ્ટ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ-પ્રિન્સેસ તરીકે ઉર્વશી રાજગોર અને પ્રિન્સ તરીકે નીરજ વાઘેલા વિજેતા થયા હતા. આ કેટેગરીમાં કૃપા પટેલ અને કૃપેશ ચૌધરી રનર્સ અપ રહ્યા હતા.

બેસ્ટ ટીનેજર-પ્રિન્સેસ તરીકે કૃપાંશી વાઘેલા અને બેસ્ટ ટીનેજર-પ્રિન્સ તરીકે પ્રિન્સ પ્રજાપતિ વિજેતા થયા હતા. આ કેટેગરીમાં પ્રિન્સિબા વાઘેલા અને હેરી પુરબીયા રનર્સ અપ રહ્યા હતા. 7 થી 12 વર્ષની વયના ખેલૈયાઓ માટેની બેસ્ટ કીડ કેટેગરીમાં હેતસી માલવી અને સવ્ય રાજપુત વિજેતા થયા હતા. જ્યારે સૃષ્ટિ ભાવસાર અને પ્રિયમ પંડ્યા રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં તાશ્વી પ્રજાપતિ અને નક્શ નાયી વિજેતા થયા હતા. જ્યારે પૃથા પરીખ અને પ્રથમ પારેખ રનર્સ અપ રહ્યા હતા.

નિર્ણાયકો તરીકે ચંદન ઠાકોર, ડૉ. અપર્ણા પંચોલી, અમીબેન વંકાણી, જયતિ બ્રહ્મભટ્ટ અને દિનાબેન ડોડીયાએ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી.