બીજિંગમાં ચીની નાગરિકોએ પણ માણ્યો દશેરા સાંસ્કૃતિક કાર્યક્રમ

ચીનના પાટનગર બીજિંગમાં આવેલા ઈન્ડિયા હાઉસ ખાતે 10 ઓક્ટોબર, રવિવારે ભારતીય દૂતાવાસના ઉપક્રમે દશેરા તહેવારની ઉજવણી રૂપે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનિષ્ટ પર સારા કર્મની જીતને દર્શાવતા દશેરા તહેવાર નિમિત્તે ચીનમાં વસતા ભારતીય સમુદાયનાં લોકો તથા એમનાં બાળકોએ સ્ટેજ પર ‘રામલીલા’ નાટ્યરચના પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમમાં ઘણા ચીની નાગરિકોએ હાજરી આપી હતી. રાક્ષસરાજા રાવણનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું જે આઈટમને ચીની દર્શકો તથા અન્યોએ તાળીના ગડગડાટ સાથે બિરદાવી હતી. આ પ્રસંગે બીજિંગમાંના ભારતીય રાજદૂત વિક્રમ મિસરીએ સંબોધન કર્યું હતું. ભારતમાં દશેરા તહેવાર 15 ઓક્ટોબર, શુક્રવારે ઉજવવામાં આવશે.

ઈન્ડિયા હાઉસ ખાતે રામાયણ પર આધારિત એક કલા-પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. ભારતીય વસ્ત્રોનાં સ્ટોલ્સ પણ રખાયા હતા જેમાં ખાસ કરીને સાડી અને પંજાબી પાઘડીના સ્ટોલ્સને વધારે પ્રતિસાદ મળ્યો હતો.

આમંત્રિતોએ ભારતીય વાનગીઓના સ્ટોલ્સ પર ખાણીપીણીનો આનંદ પણ માણ્યો હતો.

(તસવીર સૌજન્યઃ પ્રસાર ભારતી બીજિંગ, ઓલ ઈન્ડિયા રેડિયો)