ધનના વિચારોમાં ખોવાયેલા રહેવાની સ્થિતિમાંથી બહાર આવવા શું કરવું?

કાતે કાન્તા ધનગતચિન્તા

વાતુલ કિં તવ નાસ્તિ નિયન્તા ।

ત્રિજગતિ સજ્જનસંગતિરેકા

ભવતિ ભવાર્ણવતરણે નૌકા ।।13।।

(રે મૂર્ખ માણસ! સ્ત્રી અને ધન (કંચન અને કામિની)ના જ વિચારોમાં શું કામ ખોવાયેલો રહે છે? શું તને માર્ગ ચીંધવાવાળું કોઈ નથી? ત્રણે લોકમાં સત્સંગ જ એક એવી વસ્તુ છે જે સંસારસાગરમાંથી તને પાર ઉતારી શકે છે. જલદીથી સત્સંગની નૌકામાં બેસી જા.)

ભજ ગોવિંદમનો 13મો શ્લોક સારા માણસોનો સંગાથ કરવાનો અને સારા વિચારો કરવાનો બોધ આપે છે.

ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેની મારી કારકિર્દીમાં મેં ઘણાય લોકો જોયા છે, જેઓ સતત સંપત્તિના વિચારો કર્યે રાખે છે અને તેની ચિંતા તેમને કોરી ખાતી હોય છે. તેથી તેમનો સ્વભાવ ચિડિયો થઈ ગયો હોય છે અને તેમને વિષાદનો અનુભવ થતો હોય છે.

અમેરિકાના આદ્યસ્થાપકોમાંના એક બેન્જામિન ફ્રેન્કલિને સાચું જ કહ્યું છેઃ પૈસા જ બધું કરશે એવું માનનાર વ્યક્તિ પૈસા મેળવવા માટે બધું કરી છૂટશે એવું માની શકાય.

શાસ્ત્રોમાં વારંવાર એવું વાંચવામાં આવ્યું છે કે ધન કમાવામાં કંઈ ખોટું નથી, પરંતુ સતત તેના જ વિચારો કર્યે રાખવાથી સમસ્યા સર્જાય છે.

રામકૃષ્ણ મિશનના એક સાધુએ પણ સાચું જ કહ્યું હતું: પૈસા ખિસામાં હોય ત્યાં સુધી કોઈ તકલીફ હોતી નથી, મગજમાં હોય ત્યારે જ સમસ્યા સર્જાય છે.

જો શાસ્ત્રોએ ધનને ખરાબ માન્યું હોત તો તેમણે ક્યારેય તેને દેવી લક્ષ્મીની ઉપમા આપી ન હોત. તેને રાક્ષસ સાથે સરખાવ્યું હોત. આપણાં શાસ્ત્રોમાં ધનસંપત્તિને લક્ષ્મી દેવી ગણવા ઉપરાંત કહેવામાં આવ્યું છે કે ઉમદા માણસોએ ધન એકઠું કરવું અને તેનો ઉપયોગ મનુષ્યજાતિના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કરવો, અન્યથા દુષ્ટો એ ધન પર કબજો કરીને તેનો ઉપયોગ મનુષ્યજાતિના વિધ્વંસ માટે કરશે.

આપણે પૈસાના જ વિચારોમાં ખોવાયેલા રહીએ છીએ એ કેવી રીતે ખબર પડે? જ્યારે આપણે સતત સંપત્તિની ગણતરી કરતાં રહીએ અને અન્યોની સંપત્તિ સાથે તુલના કરતાં રહીએ ત્યારે જ સમજવું કે અતિરેક થઈ રહ્યો છે. આ પ્રવૃત્તિ જાણતા કે અજાણતા થતી હોય એ શક્ય છે.

ધનના વિચારોમાં ખોવાયેલા રહેવાની સ્થિતિમાંથી બહાર આવવા માટે સત્સંગ કરવો જરૂરી છે. ભજગોવિંદમમાં આ વાત કરવામાં આવી છે. આપણે ‘સત્સંગ’ શબ્દનો ભાવાર્થ સમજવો પણ જરૂરી છે.

સત્સંગ એટલે ફક્ત પ્રવચનોમાં જવું એ નહીં. સત્સંગ એટલે સારા માણસોનો સંગાથ. જે વ્યક્તિઓ ધીર-ગંભીર હોય, ચિંતામુક્ત રહેતી હોય, ઈર્ષ્યાળુ ન હોય, ઘમંડી ન હોય તથા અસલામતીની લાગણીથી પિડાતી ન હોય એ વ્યક્તિનો સંગ કરવો. ફક્ત ધાર્મિક કે આધ્યાત્મિક વ્યાખ્યાનોનાં વિડિયો અને ઑડિયો સાંભળવામાત્રથી સત્સંગ થઈ જતો નથી. આપણે જેમનો સંગાથ કર્યો હોય એ લોકો સારાં કર્મો કરતા હોય ત્યારે સત્સંગ થયો કહેવાય. તેઓ મન, વચન, કર્મથી પવિત્ર હોય છે.

મેં એક દિવસ બહુ જ સરસ વાર્તા વાંચી હતી.

એક વૃદ્ધ માણસ ઘણો જ ભૂખ્યો હતો. આખા દિવસમાં તેને કંઈ ખાવાનું મળ્યું ન હતું. મોડી સાંજે તેને નબળાઈ લાગવા માંડી. આથી એ મંદિરે ગયો અને અન્ન માટે ભીખ માગવા લાગ્યો, પણ કોઈએ એને કંઈ આપ્યું નહીં. ત્યાર પછી એ ધાર્મિક પ્રવચન ચાલી રહ્યું હતું ત્યાં ગયો. ઘણા ધનિકો એ જગ્યાએ પ્રવચન સાંભળવા જઈ રહ્યા હતા, પરંતુ કોઈએ આ ઘરડા માણસ પર ધ્યાન આપ્યું નહીં. થાકેલા, કંટાળેલા અને ભૂખ્યા વૃદ્ધે ફરી ઝૂંપડી તરફ જવા માંડ્યું. ભૂખ્યો હોવાથી એ માણસ ચાલી શકતો ન હતો. ત્યાં જ એક ક્લબમાંથી યુવાન યુગલ બહાર આવી રહ્યું હતું. તેઓ પાર્ટીમાં મહાલીને બહાર આવી રહ્યાં હતાં. તેમાંની મહિલાએ તેના મિત્રને આ વૃદ્ધ તરફ આંગળી ચીંધી. તેમણે નજીકની દુકાનમાંથી બ્રેડ લાવીને આપ્યા. એ માણસે ભગવાનને ફરિયાદ કરતાં કહ્યું, હે પ્રભુ, તું તારું સાચું સરનામું કેમ આપતો નથી?

ચિંતા, ઈર્ષ્યા, ઘમંડ અને નકારાત્મકતાથી મુક્ત હોય એવા સારા માણસોની સાથે રહીને આપણને પણ સારું લાગતું હોય છે. આપણે મનથી સલામતી અનુભવતા હોઈએ તો અંતરાત્મા પર એકચિત્ત રહી શકીએ છીએ અને તેનાથી પ્રસન્નતા અનુભવાય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)