નમ્રતા વગરની સંપત્તિ શાપરૂપ છે

જે સંપત્તિ સાથે મનુષ્યમાં નમ્રતા ન આવે એ સંપત્તિ શાપરૂપ કહી શકાય. આવી સંપત્તિ ધૃષ્ટતા, ઘમંડ લાવે છે અને તેનું સ્વરૂપ તામસી હોય છે. મોટાભાગે તો આવી સંપત્તિ બીજી પેઢી સુધી પણ પહોંચતી નથી. આંબા પર વધુ કેરીઓ ઊગે ત્યારે ઝાડ નમી જાય છે (લચી પડે છે). આ જ રીતે જ્યારે સંપત્તિ વધે ત્યારે નમ્રતાપૂર્વક નમી જવાનું હોય છે.

ઉક્તિ છે કે ‘પૈસો મોટા અવાજે બોલે છે અને સંપત્તિ ગણગણે છે’. રામકૃષ્ણ મિશનના એક સ્વામીએ મને કહ્યું હતું, “પૈસો જ્યાં સુધી માણસના ખિસામાં હોય છે ત્યાં સુધી સમસ્યા નથી, એ જ્યારે માણસના મગજમાં ઘૂસી જાય છે ત્યારે સમસ્યા સર્જે છે.” ખરેખર સાચી વાત છે. મગજમાં ઊતરી ગયેલો પૈસો ઉત્પાત મચાવે છે. આપણે જે ઘડીએ પૈસાને મહત્ત્વ આપવા લાગીએ છીએ એ જ ઘડીથી સમસ્યાઓ સર્જાવા લાગે છે.

મારા મિત્ર અને ‘રાઇડિંગ અ રોલર કોસ્ટરઃ લેસન્સ ફ્રોમ ફાઇનાન્શિયલ માર્કેટ સાયકલ્સ વી ઓફન ફરગેટ’ના લેખક અમિત ત્રિવેદી કહે છે, “જીવન કરતાં જીવનશૈલીને ક્યારેય વધારે મહત્ત્વ આપવું નહીં.” એમની વાત સો ટકા સાચી છે. જીવનશૈલી એટલે નર્યો ભૌતિકવાદ. જીવન એટલે મૂલ્યો, ચરિત્ર, વગેરે સદગુણો.

પ્રૅક્ટિસિંગ ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે મેં ઘણી વાર જોયું છે કે જીવન કરતાં જીવનશૈલીને વધુ મહત્ત્વ આપનારા લોકો ઝડપથી પૈસા કમાવા માગતા હોય છે. એમના મનને ક્યારેય નિરાંત હોતી નથી. તેઓ કાયમ બીજાઓ સાથેની હોડમાં ઊતરેલા હોય છે અને એમના વર્તનમાં ઈર્ષ્યા, અહમ્, અસલામતી, વગેરે ડોકાતાં હોય છે. બીજી બાજુ, એવા માણસો હોય છે, જેઓ જીવનશૈલી કરતાં જીવનને વધુ મહત્ત્વ આપે છે. તેઓ પરિપક્વ, સ્થિર, શાંત હોય છે. લાંબા ગાળે તેઓ પવિત્ર રીતે સંપત્તિનું સર્જન કરે છે. એમનું ધન પેઢીઓ સુધી ચાલે છે.

આ વાત પરથી મને ઘણાં વર્ષો પહેલાંનો કિસ્સો યાદ આવે છે. એક ખ્યાતનામ દંપતિ વિમાનમાં પ્રવાસ કરી રહ્યું હતું. તેઓ બિઝનેસ ક્લાસમાં બેઠાં હતાં. પતિ દક્ષિણ ભારતના જાણીતા બિઝનેસ પરિવારનો હતો. એ વખતે એ સુપ્રસિદ્ધ ક્રિકેટર પણ હતો. કોઈ પણ વ્યક્તિ એમની પાસે જતી, તો એ એમને ઑટોગ્રાફ આપતો અને એમની સાથે થોડી વાતો પણ કરી લેતો. એની પત્ની દક્ષિણ ભારતની જ ફિલ્મ અભિનેત્રી હતી. શરૂઆતમાં એણે બોલીવૂડમાં એકાદ-બે ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ એને સફળતા મળી ન હતી. જોકે, પછીથી એની હિન્દી ફિલ્મો પણ સારી ચાલી હતી. ઑટોગ્રાફ આપતી વખતે એ સંપૂર્ણપણે ઔપચારિક બની જતી અને કહેવા ખાતર સહી કરી આપતી હતી. ઑટોગ્રાફ લેનાર વ્યક્તિની સામે જોવાની તસદી પણ લેતી ન હતી. ઍર હોસ્ટેસ સાથે પણ એ પતિ અને પત્ની બન્નેનું વર્તન અલગ અલગ પ્રકારનું હતું. પતિ સાથે લોકો આરામથી વાત કરતા અને પત્ની સાથે વાત કરવાનો તો સવાલ જ આવતો ન હતો.

શક્ય છે કે તેઓ જ્યારે વિમાનમાં પ્રવાસ કરી રહ્યાં હતાં ત્યારે પત્ની થાકેલી હોય, પણ તેના લીધે વાતચીતના અંદાજમાં અને હાવભાવમાં તોછડાઈ ન આવે. એના વિશે હું વધારે કોઈ ટિપ્પણી કરું એ ઉચિત નથી. મારે તો અહીં એટલું જ કહેવું છે કે જીવનમાં પ્રગતિ કરનાર માણસ નમતો જવો જોઈએ. નમવું એ નમ્રતા અને મનુષ્ય તરીકેની પ્રગતિ દર્શાવે છે.

યોગિક વેલ્થનો સંબંધ શાંતિ અને શીતળતા સાથે છે. એ શાંતિ પ્રાપ્ત કરવામાં દાયકાઓ નીકળી જતા હોય છે, પરંતુ એક વખત એ સ્થિતિ આવી જાય ત્યારે પછીની પેઢીઓ સુધી પહોંચે છે.

આપણા દેશમાં હાલ તહેવારોની મોસમ છે. ચાલો, આપણે ઉન્નતિ કરીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને નમ્રતા બક્ષે. સ્વભાવમાં નમ્રતા આવી ગયા પછી કંઈ હાંસલ કરવાનું રહેતું નથી. બાકીની બધી વસ્તુઓ ભગવાનને જ્યારે આપણા માટે યોગ્ય લાગશે ત્યારે તેઓ સામેથી આપી દેશે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)