થોડા દિવસ પહેલાં મારી દીકરી મારા પિતાજીને મોબાઇલ ફોન પર એનઈએફટી/આરટીજીએસ વ્યવહાર કરવાનું શીખવી રહી હતી. મારા 79 વર્ષીય પિતાજીને એ પલ્લે પડતું હતું કે કેમ એ મને ખબર નથી, પરંતુ એમને જોઈને લાગ્યું કે તેઓ એ પ્રવૃત્તિમાં આનંદ લઈ રહ્યા હતા.
બીજી બાજુ, મારા પિતાજી મારી દીકરીને ડ્રાઇવિંગ શીખવી રહ્યા છે. દીકરીને હજી હમણાં ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યું છે અને એનો આત્મવિશ્વાસ વધે એ માટે એણે થોડું થોડું ડ્રાઇવિંગ ચાલુ રાખવું જરૂરી છે. દાદાજી એને ડ્રાઇવિંગની બારીકીઓ શીખવી રહ્યા હોય ત્યારે બન્નેને એમાં મજા પડે છે. જ્યારે પણ આ તાલીમ સત્ર શરૂ થાય ત્યારે એકાદ કલાક સુધી ચાલતું હોય છે. કાર ચલાવતાં ચલાવતાં તેઓ બન્ને જંક ફૂડ પણ ખાઈ લેતાં હોય છે. હું અને મારી પત્ની આ બાબતે આંખ આડા કાન કરી લઈએ છીએ. અમારા માટે તો એ બન્નેનો આનંદ અને સ્નેહ સુખ પમાડનારાં છે.
મારી દીકરી મારાં સાસુને રોજ રાત્રે નવ વાગ્યે ફોન કરીને દવા લેવાનું યાદ કરાવે છે. ગયા સપ્તાહાંતે અમે બધા મારા સાસરે ગયા ત્યારે મેં સાસુને પૂછી લીધું કે તેઓ રોજ રાત્રે શેની દવા લે છે. એમણે કહ્યું, “મારા દવાના ડોઝ તો એક મહિના પહેલાં પૂરા થઈ ગયા છે, પરંતુ મારી લાડકી દોહિત્રી મને રોજ દવા લેવાનું યાદ કરાવે એ મને ગમતું હોવાથી મેં એને ફોડ પાડ્યો નથી.” આ વાત સાંભળીને મેં પણ મોંઢામાં મગ ભરી લીધા!
આવા સ્નેહસભર સંબંધોનું જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. પૈસાથી એ ખરીદી શકાતા નથી અને વારસામાં પણ આપી શકાતા નથી. જે કંઈ છે એ આજે જ છે. આને આપણે સામાજિક સંપત્તિ કહી શકીએ. આ સંપત્તિનું સર્જન રાતોરાત કે અમુક મહિનાઓ કે વર્ષોમાં થતું નથી; એમાં અનેક પેઢીઓ નીકળી જાય છે.
મારો ગાઢ મિત્ર અનિશ એક દિવસ મને કહી રહ્યો હતો, “ગૌરવ, મારો ભત્રીજો મને દુબઈથી ફોન કરીને મારા ભાઈની ખાણીપીણીની આરોગ્ય માટે હાનિકારક આદત વિશે ફરિયાદો કર્યે રાખે છે.” અનિશે વધુમાં કહ્યું, “મારો ભાઈ ફક્ત મારું જ સાંભળશે એવું એને લાગતું હોવાથી એ મને ફોન કરીને કહે છે. આમાં હાનિકારક આદતના પ્રશ્ન કરતાં ભત્રીજો મારા પર જે વિશ્વાસ મૂકે છે અને મારી સાથે જે ઘનિષ્ઠતા ધરાવે છે એનું મહત્ત્વ વધારે છે.”
આ પ્રસંગો પરથી કહી શકાય કે કોઈ પણ વ્યક્તિએ સામાજિક આરોગ્ય તરફ દુર્લક્ષ કરવું જોઈએ નહીં. જેમને નિકટના પરિવારજનો અને મિત્રોની હૂંફ મળતી નથી એવા લોકોને પૂછો. લોકો પાસે કરોડોની સંપત્તિ હોઈ શકે, પણ એક હદ પછી એનું કોઈ મહત્ત્વ રહેતું નથી.
અહીં નોંધવું રહ્યું કે યોગિક સંપત્તિનાં ચાર પાસાં હોય છે. એમાંથી સામાજિક સંપત્તિનું સર્જન થવામાં ઘણો લાંબો સમય લાગે છે. વળી, એકલા હાથે એનું સર્જન થઈ શકતું નથી; એમાં સંપૂર્ણ કુટુંબનો સાથ હોવો જોઈએ. બન્ને પક્ષે એકબીજાને જેવા છે એવા જ સ્વીકારી લેવાના હોય છે. બધાએ આપસી ભેદભાવ ભૂલીને પરસ્પર હૂંફ આપવાની હોય છે.
આના પરથી કહેવાનું કે દરેક વ્યક્તિએ સામાજિક સંપત્તિ રળવા પર ખાસ ભાર મૂકવો જોઈએ. શારીરિક સંપત્તિ (આરોગ્ય) અને આર્થિક સંપત્તિ તો આવ-જા કર્યે રાખતી હોય છે. વળી, નવી પેઢી પોતાના બળે શારીરિક અને આર્થિક સંપત્તિ રળી શકે છે, પણ સામાજિક સંપત્તિ આગળ વધારી શકાય છે. અન્ય કોઈ સંપત્તિ માટે સામાજિક સંપત્તિનો ભોગ આપવો જોઈએ નહીં. સામાજિક સંપત્તિ અમૂલ્ય હોય છે. એને પૈસાથી ખરીદી પણ શકાતી નથી. આપણા પૂર્વજોએ આપણને સર્વાંગી સંપત્તિનો વિચાર આપ્યો એ ઘણી મોટી વાત કહેવાય.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)
